અમદાવાદઃ શુક્રવારને 15 સપ્ટેમ્બરે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લા દિવસે ભારતીય શેરબજારો સુધારા સાથે બંધ થયા હતા. ગુજરાતી રોકાણકારોને શ્રાવણ મહિનો યો હોય તેમ આ મહિના દરમિયાન શેરબજારમાં મોટાભાગે તેજીનો માહોલ રહ્યો હતો. આ કારણે BSEનું માર્કેટ કેપ રૂ. 19 લાખ કરોડ વધીને રૂ. 328.43 લાખ કરોડ થયું છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સ્ટોક માર્કેટમાં ગુજરાતનો શેર અંદાજે 15% જેવો છે. આ હિસાબે શ્રાવણ મહિના દરમિયાન ગુજરાતના રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યૂ આશરે રૂ. 3 લાખ કરોડ જેટલી વધી છે. એક અંદાજ મુજબ ગુજરાતના રોકાણકારો દ્વારા શેરબજારમાં રોકવામાં આવેલા રૂપિયાની હાલની વેલ્યૂએશન અંદાજે રૂ. 49 લાખ કરોડ જેટલી છે. ઇન્વેસ્ટર પોઈન્ટના જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 17 ઓગસ્ટથી શ્રાવણ માસ શરુ થયો હતો અને 15 સપ્ટેમ્બરે પૂરો થયો છે. તે દરમિયાન સ્ટોક માર્કેટમાં અવિરત તેજી જોવા મળી છે. બજારો આ દરમિયાન 4.50 જેટલા વધ્યા છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે માર્કેટમાં લીક્વિડિટીનું પ્રમાણ ઘણું ઊંચું છે. FII વેચતા હોય તો તેની સામે DII અને મ્યુચ્યુઅલ ફંડ્સ થકી ઘણા મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે.

