ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર અને રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સાણંદમાં જીઆઇડીસીC ખાતે શનિવારે માઇક્રોનના સેમિ કંડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, માઇક્રોન અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયાના ત્રણ જ મહિનાની અંદર ખાતમુહૂર્ત થયું છે. પ્લાન્ટથી ગુજરાત સેમિ કંડક્ટર ક્ષેત્રે ભારતનું હબ બનશે અને અહીં ગુજરાતમાં 20 હજારથી વધારે રોજગારીની તકો ઊભી થશે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સફ્ળ મુલાકાતને પરિણામે સાણંદમાં માઇક્રોન દ્વારા સેમિ કંડક્ટર ચિપ ઉત્પાદનના પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થયાનું કહેતાં નિયત સમયમાં કામ પૂર્ણ કરવાં એ ગુજરાતની ખાસિયત હોવાનું ઉમેર્યું હતું. જેના મૂળમાં નરેન્દ્ર મોદીએ આરંભેલી વાઇબન્ટ સમિટ છે.
વાઇબ્રન્ટ સમિટના કારણે જ પ્રગતિથી દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8 ટકા છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 18 ટકા છે. રાજ્યનું કુલ ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લાં 20 વર્ષમાં રૂ. 1.27 લાખ કરોડથી વધીને રૂ. 16.19 લાખ કરોડ પહોંચી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, વિજ્ઞાન- પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરા, માઇક્રોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરુશરણસિંહ, ટાટા અને માઇક્રોનના નવનિયુક્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

