ભુજઃ કેન્યામાં વ્યવસાયી એવા બિનનિવાસી કચ્છી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણીનું અવસાન થતાં તેમની ગુણાનુવાદ સભા બળદિયા ઉપલોવાસ લેવા પટેલ સમાજ ખાતે યોજાઇ હતી. તેમાં વિવિધ આગેવાનોએ શોક સંવેદના પ્રગટ કરતા કચ્છ જિલ્લાએ સાચો હિતચિંતક ગુમાવ્યાની લાગણી પ્રગટ કરી હતી. ભગવાન સ્વામિનારાયણના પરમ સત્સંગી આત્મા લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાઘવાણી 94 વર્ષની વયે 21 સપ્ટેમ્બરે ગુરુવારે શ્રીહરિને સ્મરતાં સમરતાં અક્ષરધામમાં સિધાવ્યા છે.
કચ્છ જળસંકટ નિવારણ સમિતિ સાથે રહેલા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ કહ્યું, બાપાએ પોતાની કોઠા સૂઝથી નર્મદા ગ્રેવિટી કેનાલ માટે કરેલા પ્રયત્નો સાચા હિતચિંતક હોવાની શાખ પૂરે છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સંસ્મરણો તાજા કર્યા હતા. એક પુણ્યશાળી આત્મા ભગવાનના દિવ્ય તેજમાં વિલીન થયો છે એ સાથે કચ્છના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પૂર્ણતા પામ્યું છે.
ઇ.સ. 1960. કેન્યાનો બાંધકામ વિભાગ ગડમથલમાં છે. રાષ્ટ્રની સેન્ટ્રલ બેન્ક બાંધવાની છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બ્રિટિશ કંપનીઓ સહિત બહુરાષ્ટ્રીય કંપનીઓ કામ લેવા આતુર છે. ફોલ, ગોલર – કન્સ્ટ્રક્શન કંપનીઓનો સિતારો મધ્યાહને છે. પંજાબી ભારતીય નગીનાસિંહની કેન્યામાં ધાક બોલે છે. રાષ્ટ્રીય ફલકની ત્રણેય કંપનીઓને સાઇડલાઇન કરી લક્ષ્મણભાઈની કન્સ્ટ્રક્શન કંપનીને કામ અપાયું.
બળદિયા ગામને અડીને કરશન ગાંગજીની વાડી હતી. સ્થિતિ એટલી કપરી કે ચાર હજાર કોરીનું દેવું ચડી ગયું. આ સમયે ભુજ સ્વામી મંદિરના અક્ષરજીવનદાસજી સ્વામીએ કહ્યું, બાપા અમે તમારી વાડી માગીએ છીએ, અમારે અહીં શ્રીજી મહારાજ બેસાડ્યા છે. ચાર હજાર કોરી દેવું જેના માથે છે તેણે આજીવિકાનું સાધન વાડી પણ સંતવચને સમર્પિત કરી દીધી. ત્યારે અક્ષરજીવન સ્વામીએ કહ્યું, સાત પેઢી સત્સંગ ચડતો રહેશે.
આ ત્રણેય પ્રસંગ પૈકી પ્રથમમાં સંઘર્ષમાં હિંમત ન હારવાની, બીજામાં પ્રામાણિક વ્યવસાયી અને સરકારોનું સમર્થન અને ત્રીજો પ્રસંગ શ્રદ્ધાનો-વિશ્વાસનો છે.
કેન્યાની ટોચની બાંધકામ કંપની છતાં અજાતશત્રુ રહેવું એ બાપાના સદ્ગુણ હતા. નાઇરોબી મધ્યમાં ટેલિપોસ્ટા, ન્યાયો હાઉસ, રીમતુલા ટ્રસ્ટ ટાવર, કેન ઇન્ડિયા હાઉસ, ડી.ટી., આઇ એન્ડ એમ બેન્ક, પ્રાઇમ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, વ્હાઇટ સેન્ડલ હોટેલ, ઇસ્ટ આફ્રિકા સ્વામી મંદિર, ઇસ્કોન મંદિર, આગાખાન એકેડેમી, સ્વાન શોપિંગ મોલ જેવાં પ્રતિષ્ઠિત બાંધકામો લક્ષ્મણબાપાની દેન છે. તેમના પુત્રો-પરિવાર જ્યારે ઇચ્છશે ત્યારે જગત સમક્ષ ‘નાના માણસના મોટા મિત્ર’ની પ્રેરકગાથા પ્રગટ થશે.
માઉં-માઉં ચળવળ – ઇ.સ. 1953, રાજકારણના ઝઘડા, ખટપટ વધી. ઇમર્જન્સી જેવું વાતાવરણમાં કંપનીને મોટી અસર થઈ, ભુજ પરત આવતાં શાસ્ત્રી ધર્મજીવન સ્વામીએ કહ્યું, લક્ષ્મણભાઈ જ્યાં ખોવાયું ત્યાં જ જડશે. અને જડ્યું. 1963માં 20 લાખ શિલિંગનો તે સમયે મોટો કોન્ટ્રાક્ટ મળ્યો.
500 રૂપિયા હાથમાં, 200 રૂપિયા મુંબઈ મોમ્બાસા આગબોટની ટિકિટ.
હાથમાં 300 રૂપિયા લઈ આવનારી વ્યક્તિ કેન્યા, સિસલ્સ અને બ્રિટનમાં બાંધકામ ક્ષેત્રે ટોચે પહોંચે, કરોડોની સખાવત કરે, નાના માણસનો ખ્યાલ હૈયે હોય, છેવાડાના માણસની સ્થિતિ સમજે, પશુ-પક્ષી પર કરુણા રાખે. આટઆટલું હોય ત્યારે લખુબાપા થઈ શકાય.
કચ્છી લેઉઆ પટેલ સમાજમાં આજની તારીખે લખુબાપા જેવાં જીવનમૂલ્યો ધરાવનારી એકપણ વ્યક્તિ નથી.
છાત્ર-છાત્રાઓની ફી ઓછી રાખવા સાથ આપવાની સાથે બાપા નર્મદા માટે ઝઝૂમ્યા, પાણીની ચિંતા કરી, ગાયોને નીરણ નાખ્યું, મેડિકલ સેવાઓ કરી, લક્ષ્મણ ભીમજી ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું કે અન્નક્ષેત્ર ખોલ્યું, મોટી કંપનીઓ સ્થાપી, સામ્રાજ્ય સર્જ્યું. એ બધી પ્રગતિ દુનિયામાં ઘણા લોકોએ કરી છે, કરે છે અને કરશે. પરંતુ બાપા જેવું જીવન રાખી કોઈ વીરલો જ આ કાર્ય કરી શકે.
લખુબાપાની છેલ્લી યાદો
લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાઘવાણીના અક્ષરનિવાસી થયા તેના બે મહિના પહેલાં મે 2023માં તેમણે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ઇન્ટરવ્યૂમાં લક્ષ્મણભાઈ રાઘવાણીએ જણાવ્યું કે, હું છ મહિનાનો હતો અને બાપા ધામે સિધાવ્યા હતા. મારાં બાએ ગાય રાખી દૂધ-ઘી વેચી ગુજરાન ચલાવતાં, ખૂબ ગરીબાઈ જોઈ. સ્કૂલે જતાં ચડ્ડી નહોતી તો આંગડી (પોતડી) પહેરતા, આમ માત્ર ત્રણ ચોપડી જ મારો અભ્યાસ છે. નાણાંની અછતના પગલે 10 વર્ષે અભ્યાસ છોડી હું વાડીમાં કામે લાગ્યો હતો. 15-16 વર્ષ સુધી કામ કર્યા બાદ નાઇરોબીમાં રહેતા મારા કાકા કિસરાભાઈએ મને ત્યાં બોલાવી લીધો. ત્યાં પ્રથમ દોઢ વર્ષ સુધી ખાણમાં પથ્થર ઘડવા જતો હતો. બાદમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં કામ કર્યું. 6 વર્ષે કચ્છ આવ્યો ત્યારે સ્વામીજીએ કહ્યું હતું, નોકરી ન કરજો, પોતાનો નાનો તો નાનો વ્યવસાય શરૂ કરો. નાઇરોબી જઈ તે સમયે મેં નાનું તો નાનું લેબર કામની માગણી કરી, આમ પોતાના વ્યવસાયની શરૂઆત કરી. આમ નાનાં નાનાં કામ રાખતાં સરકારમાં 1953માં લક્ષ્મણભાઈ એન્ડ કંપનીના નામે રજિસ્ટર્ડ થયા.
નાઇરોબીથી લક્ષ્મણભાઈ એન્ડ કંપની શરૂ કર્યા બાદ 1972માં સિસિલમાં, ત્રીજી લંડન અને ભારતમાં અમદાવાદ અને મુંબઈમાં કંપનીની શરૂઆત કરી. જ્યાં ધંધો કર્યો, જ્યાં જમીન લીધી તમામમાં બરકત ખૂબ રહી, ક્યાંય કોઈ ખોટ નહીં. બસ અમે શિક્ષાપત્રી મુજબ નીતિથી અમારું કામ કર્યું. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય સિદ્ધિને વરશે.
નાઇરોબીમાં 6500 સ્કૂલનાં બાળકોને અમારા તરફથી બપોરનું ભોજન આપવામાં આવે છે. સરકાર દ્વારા તો બાળકોને કોઈ ભોજન આપવામાં આવતું નથી. જે સમગ્ર વર્ષ દરમિયાન સોમવારથી શુક્રવાર સુધી આપવામાં આવે છે.

