સુરતઃ ‘ભગવાન કે યહાં દેર હૈ પર અંધેર નહીં હૈ.’ સુરતમાં 28 વર્ષ પહેલાં મિત્રની હત્યા કરનારા 53 વર્ષીય આરોપી કૃષ્ણપ્રધાનને સુરત ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં મિત્રની હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને 28 વર્ષ બાદ ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઇમબ્રાન્ચે વર્ષ 1995માં પાંડેસરામાં થયેલી હત્યાના ફરાર થયેલા આરોપીને 28 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાન્ચે વર્ષોની મહેતન બાદ છેલ્લા દોઢ વર્ષથી સતત વોચ રાખીને કેરળથી આરોપી કૃષ્ણપ્રધાનને ઝડપી લીધો છે.
જુવાનીમાં કરેલા ગુનાની સજા ઘડપણમાં ભોગવશે
સુરતના પાંડેસરામાં 28 વર્ષ પહેલાં મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયેલા બે યુવક પૈકી એકને આધેડ વયની ઉંમરે ઝડપી લેવાયો છે. 23 વર્ષની ઉંમરે મિત્ર પર અવિશ્વાસ રાખી આરોપી કૃષ્ણપ્રધાને તેની હત્યા કરી હતી. જે બાદ તે ઓડિશા અને ત્યારબાદ કેરળ નાસી છૂટ્યો હતો. આરોપીનું પગેરું દબાવતાં સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપીની કેરળથી ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાન્ચને આરોપી કૃષ્ણપ્રધાન કેરળમાં મિસ્ત્રીકામ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમબ્રાન્ચે કૃષ્ણ રઘુનાથ પ્રધાનને ઝડપી પાડ્યો હતો.
વહેમ રાખી મિત્રની હત્યા કરી હતી
ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, વર્ષ 1995માં આરોપી અને તેના સાગરીતો સુરતના પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગરમાં રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને રૂમ લઈ સાથે ભાડે રહેતા હતા. આ દરમિયાન મિત્ર શિવરામ ઉદય નાયક પોતાના અન્ય સાથીઓને જુઠ્ઠું બોલી ગદ્દારી કરતો હોવાનો આરોપી કૃષ્ણપ્રધાન અને સાથી આરોપી બિરેન શેટ્ટીને શક હતો. જેથી કૃષ્ણપ્રધાન અને બિરેન શેટ્ટીએ 4 માર્ચ 1995એ રાત્રે નવેક વાગ્યે શિવરામને ઘરેથી બહાર લઈ જઈ તલવાર અને ચાકુથી તેની હત્યા કરી હતી. હત્યા બાદ લાશને ગૌતમ નગર સ્થિત નહેરમાં નાખી ફરાર થઇ ગયા હતા.

