અમદાવાદમાં રાજ્યની સૌથી ઊંચી 41 માળની ઈમારત બનશે

Wednesday 01st February 2023 04:26 EST
 
 

અમદાવાદઃ દેશના આર્થિક પાટનગર મુંબઈમાં ગગનચુંબી બિલ્ડિંગોની હારમાળા છે. 88 માળ ધરાવતી દેશની પ્રથમ અને સૌથી ઊંચી 320 મીટરની બિલ્ડિંગ વરલીમાં છે. તે જ દિશામાં ગુજરાત અને તેમાંય અમદાવાદ આગળ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું કે, શહેરમાં સૌ પ્રથમ અને સૌથી ઊંચી 145 મીટર (41 માળ)ની બિલ્ડિંગને ટૂંક સમયમાં મંજૂરી મળશે. ગુજરાતના ઈતિહાસમાં સરકારે ટોલેસ્ટ બિલ્ડિંગને મંજૂરી આપી હોય તે આ પ્રથમ બિલ્ડિંગ હશે. આ પ્રોજેક્ટનું નામ ટાઈટેનિયમ વર્લ્ડ ટાવર છે. તેની ટીપી નંબર 51 (બોડકદેવ, મકરબા, વેજલપુર) છે. મકરબામાં બનનારું આ બિલ્ડિંગ સંપૂર્ણ પણે રેસિડન્ટ કેટેગરીનું હશે.
વિશ્વના ટોપ 100 ટોલેસ્ટ બિલ્ડિંગ પૈકી 50 ટકા ચીનમાં છે. અમદાવાદમાં પણ શાંઘાઈ અને દુબઈ જેવા બિલ્ડિંગો નિર્માણ પામે તેમ મ્યુનિ. તેમજ રાજ્ય સરકારે સંયુક્ત પ્લાનિંગ હાથ ધર્યું છે. અત્યાર સુધી અમદાવાદમાં સૌથી ઊંચી 35 માળના હાઈરાઈઝનું નિર્માણ કરવા મંજૂરી મળેલ છે. સૂત્રો કહે છે કે, અમદાવાદ બાદ હવે સુરત, વડોદરા અને રાજકોટમાં તબક્કાવાર સરકાર મંજૂરી આપશે. રાજ્યની આઠે મહાનગરપાલિકા પાસે 70 મીટર સુધીનું બાંધકામ કરવા માટેની મંજૂરી આપવાની સત્તા છે, પરંતુ હવે બિલ્ડરે આ કરતા વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ બનાવી હોય તો તેણે ફરજીયાત રાજ્ય સરકાર પાસે મંજૂરી લેવાની થાય છે.


comments powered by Disqus