આણંદઃ ચરોતર કોંગ્રેસના રાજકારણમાં વધુ એક આગેવાનનું ગાબડું પડ્યું છે. વર્ષોથી ભાજપની વિચારધારાના વિરોધી રહેલા આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારને 2022ની વિધાનસભા ચૂંટણી હાર્યાના ગણતરીના દિવસોમાં જ ભાજપની વિચારધારા સાથે તાલમેલ સાધી લીધો છે. તેઓએ કોંગ્રેસમાંથી સત્તાવાર રાજીનામું આપી ગાંધીનગર કમલમ્ કાર્યાલયે પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
વિપુલભાઈ પટેલનો મહત્ત્વનો ફાળો
મહત્ત્વનું છે કે કાંતિભાઈ સોઢા પરમાર ભાજપમાં જોડાયા તે સમયે આણંદ જિલ્લા ભાજપના આગેવાનો હાજર નહોતા. જ્યારે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલ અને બાલાસિનોર ભાજપના રાજેશભાઈ પાઠકની હાજરીએ કાંતિભાઈ સોઢા પરમારની ભાજપમાં જોડાણે અનેક તર્કવિતર્ક ઊભા કર્યા છે. કાંતિભાઈને ભાજપમાં જોડાવા વિપુલભાઈ પટેલનો મહત્ત્વનો ફાળો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
આગામી દિવસોમાં અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઈસચેરમેનની ચૂંટણી
નોંધનીય છે કે ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ અને બાલાસિનોર ભાજપના રાજેશભાઈ પાઠક તેમજ કાંતિભાઈ સોઢા પરમાર બંને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, અમૂલ ડેરીમાં સાથી સભ્ય છે. વળી આગામી દિવસોમાં અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ કાંતિભાઈ સોઢા પરમારનું ભાજપમાં જોડાણ અમૂલની ચૂંટણીને લઈ વિશેષ તળજોડ સધાયાં હોવાનું મનાઈ રહ્યું છે.
કાંતિભાઈ સોઢાને યોગેશ પટેલે હરાવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, કાંતિભાઈ સોઢા પરમાર 2017થી 2022 સુધી આણંદ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય રહ્યા હતા. હમણાં જ એમના પુત્રએ એક યુવકને ઢોરમાર માર્યો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લવજેહાદના નામચીન આરોપી લવિંગખાન સાથે તેની નિકટતાને સ્થાનિક હિન્દુ સંગઠનોએ મોટો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમની સાથે ઘણા વિવાદો પણ જોડાયેલ છે. જેને લઈ 2022માં તેમને ભાજપના યોગેશભાઈ પટેલ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

