દેશમાં એકમાત્ર જોશીમઠ જ નથી જેની જમીન સરકી રહી છે અને નામશેષ થઈ રહી છે. ભારત અને વિશ્વમાં અનેક એવાં શહેર છે, જે ઝડપથી પાતાળમાં સમાઈ રહ્યાં છે. બની શકે કે વર્ષ 2100 સુધી કેટલાંક શહેર બચી જ ન શકે. એટલે કે જમીન ફાટીને આખાં શહેર જ તેમાં સમાઈ જાય.
જોશીમઠ એક જ નથી જેની જમીન સરકી રહી હોય અને તેમાં આવેલી ઇમારતોમાં મોટી તિરાડ પડી હોય. જોશીમઠની જેમ ઉત્તરાખંડમાં પણ એવાં શહેર છે, જે મકાનોમાં તિરાડોની પરેશાન છે.
ઋષિકેશ, નૈનિતાલ, મસૂરી, ટિહરી ગઢવાલ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને અલમોડામાં આવેલાં ઘરોમાં પણ તિરાડો જોવા મળી છે. એટલે કે ઉત્તરાખંડના એક મોટા ભૂભાગમાં આવેલાં સ્થળોમાં આ ડરામણી તિરાડો વધારે ડરાવી રહી છે. આ શહેરો અથવા તેના કેટલાક હિસ્સા જમીનમાં ધસવાની શરૂઆત થઈ ચૂકી છે. આ સિવાય દેશનાં બે મહાનગરમાં પણ આવું જ સંકટ તોડાઈ રહ્યું છે. વિશ્વમાં એવાં 36 શહેરો છે, જેની જમીન સરકી રહી છે. આ 36 શહેરોની યાદીમાં ભારતના તટીય શહેર મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે.
કર્ણપ્રયાગ, ઋષિકેશ, ચંબાનાં ઘરોમાં પણ તિરાડ
આ સિવાય જોઈએ તો કર્ણપ્રયાગના બહુગુણા નગર અને આઇટીઆઇ કોલોની વિસ્તારોમાં 24થી વધુ ઘરમાં મોટી તિરાડ પડી છે. ઋષિકેશના અટાલી ગામનાં આશરે 85 ઘરમાં તિરાડો પડી ચૂકી છે. સ્થાનિકો ઋષિકેશ-કર્ણપ્રયાગ વચ્ચેની રેલવે લાઇનને તિરાડો પડવાનું મુખ્ય કારણ માની રહ્યા છે. ટિહરી ગઢવાલના કસ્બા ચંબામાં પણ અનેક ઘરમાં તિરાડો જોવા મળી છે. આ તમામ ઘર ટનલ પરિયોજના પાસે આવેલાં છે, જેનાથી તેમાં તિરાડો પડી હોવાનું માનવામાં આવે છે.
ધસી રહેલાં મસૂરી, નૈનિતાલ, રુદ્રપ્રયાગ
મસૂરીના લંડૌર બજારમાં એક રોડ પર મોટી તિરાડ પડી છે, જે વધતી જ જઈ રહી છે અને રોડનો હિસ્સો ધીમેધીમે જમીનની અંદર સરકી રહ્યો છે. આ તિરાડથી આશરે 12 દુકાનો અને 500થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને રિસ્ક ઝોનમાં રહેવા મજબૂર છે. વર્ષ 2018માં નૈનિતાલના લોઅર મોલ રોડનો એક હિસ્સો નૈની તળાવમાં સરી પડ્યો હતો. અહીં પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ ફરીથી તિરાડ દેખાઈ રહી છે. રુદ્રપ્રયાગના અગસ્ત્ય મુનિ બ્લોકમાં આવેલી ઝાલીમઠમાં એક ડઝન પરિવારને ઘરમાં તિરાડો પડતાં વિસ્થાપિત થવું પડ્યું છે.
ગુપ્તકાશી પણ ન રહ્યું બાકી
કેદારનાથના ગેટવે ગણાતા ગુપ્તકાશીનો કેટલોક ભાગ પણ જમીનમાં સરકી રહ્યો છે. અલમોડાના વિવેકાનંદ પર્વતીય એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે પણ જમીન નીચે તરફ સરકી હોવાના સમાચાર મળ્યા છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટની એક ઇમારત પણ ધરાશાયી થઈ ચૂકી છે.
આખરે કેમ સરકે છે જમીન?
જમીન ધસવાનાં બે કારણ હોય છે, પ્રાકૃતિક અને માનવસર્જિત. પ્રાકૃતિક એટલે કે ભૂકંપના કારણે નબળી પડેલી માટીનું પડ સરકી જાય અને ભૂસ્ખલન થઈ જાય. અથવા તો ભારે વરસાદ બાદ નબળું પડેલું માટીનું પડ સરકી જાય. માનવનિર્મિત કારણમાં જોઈએ તો કોઈપણ સ્થળ કે શહેરની જમીનમાંથી મોટાપાયે પાણી બોરિંગથી કાઢવામાં આવે અને તે જમીન નીચેની તરફ સરકતી જાય. આ સિવાય શહેરની ક્ષમતા કરતાં વધુ નિર્માણ, પ્રાકૃતિક રૂપથી નાજુક વિસ્તારમાં વૈજ્ઞાનિક પ્લાનિંગ સિવાય થતું નિર્માણકાર્ય. આ સિવાય જળવાયુ પરિવર્તન અને મોટા પ્રમાણમાં શહેરીકરણ પણ આનું કારણ બની શકે.

