ઓડિશામાં એએસઆઈએ આરોગ્ય પ્રધાનની છાતીમાં ગોળી મારી હત્યા કરી

Wednesday 01st February 2023 06:03 EST
 
 

ભુવનેશ્વરઃ ઓડિશાના આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ પ્રધાન નબા કિશોર દાસ પર એએસઆઇએ ઝારસુગુડાના બ્રજરાજનગરમાં ગોળીબાર કર્યો હતો, તેમાં દાસને છાતીમાં ત્રણ ગોળી વાગતાં તેઓ લોહી-લુહાણ હાલતમાં બેભાન થઈ પડી ગયા હતા. અત્યંત ગંભીર સ્થિતિમાં તેમને હોસ્પિટલ લઇ જવાયા હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
નબા કિશોર દાસ બપોરે આશરે એક વાગે એક કાર્યક્રમમાં ભાગ લેવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે એએસઆઇ ગોપાલ દાસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.
બ્રજરાજનગરના એસડીપીઓ ગુપ્તેશ્વર ભોઈએ જણાવ્યું કે તે એએસઆઇને તરત જ જ ઝડપી પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે એએસઆઇએ ગોળીબાર શા માટે કર્યો હતો તે વિશે હજી કોઈ માહિતી મળી શકી નથી. તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શરૂઆતમાં તો મંત્રીને ઝારસુગુડાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ પછીથી એરલિફટ કરી ભુવનેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં મોડી સાંજે તેમનું મોત થયું હતું. આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.


comments powered by Disqus