અમદાવાદઃ ગુજરાતી સાહિત્યકાર મધુસૂદન પારેખનું 100 વર્ષની વયે નિધન થયું છે. ‘હું, શાણી અને શકરાભાઈ’ અને ‘જેની લાઠી તેની ભેંસ’ કોલમ લખતા લેખક મધુસૂદન પારેખે મધરાતે અંતિમ શ્વાસ લીધા હતા. 2022ની 14મી જુલાઈએ તેમણે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
પારસી રંગભૂમી પર તેમનું સંશોધન નોંધપાત્ર
મૂળ સુરતના મધુસૂદન પારેખ 1923ની 14મી જુલાઈએ જન્મ્યા હતા. ગુજરાતી ભાષામાં હાસ્યલેખક તરીકે તેઓ જાણીતા છે, પરંતુ ગુજરાતી ભાષા-સાહિત્યમાં તેમણે કરેલું સંશોધન પણ એટલું જ મહત્ત્વનું છે. ગુજરાતી સાહિત્ય પરિષદે તેમની ઓળખમાં તેમને હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક ગણાવ્યા છે. પારસી રંગભૂમી પરનું તેમનું સંશોધન નોંધપાત્ર છે. તો વળી શેક્સપિયરના નાટકોનો તેમણે કરેલો અનુવાદ પણ નમુનેદાર છે. 1955થી 1983 સુધી ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહ્યા. પિતા હીરાલાલ પારેખના સંસ્કારો તેમને લોહીમાં જ મળ્યા હતા.

