લંડન: યુકેમાં શરૂ કરાયેલા બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત કરોડો બ્રિટનવાસીઓના ડીએનએનું એનાલિસિસ કરાશે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ બંને પ્રોજેક્ટ યુકેને જિનોમિક્સમાં વર્લ્ડ લીડર બનાવી દેશે. અવર ફ્યુચર હેલ્થ નામના પ્રોજેક્ટ અંતર્ગત 50 લાખ બ્રિટિશરોની જિનેટિક પ્રોફાઇલને તેમના હેલ્થ રેકોર્ડ સાથે સાંકળી લેવાશે. તેમાં તેમની જીવનશૈલી અંગે પણ નોંધ રખાશે. ન્યૂબોર્ન જિનોમ્સ પ્રોગ્રામ અંતર્ગત એક લાખ નવજાત બાળકોના ડીએનએનું પ્રોફાઇલિંગ કરાશે. બાળકોમાં જવલ્લે જ જોવા મળતાં રોગોના નિદાનના પ્રયાસમાં તેમના જિનેટિક કોડ તૈયાર કરાશે.
2006માં યુકે બાયોબેન્ક સ્કીમનો પ્રારંભ કરાયો હતો. જેમાં પાંચ લાખ બ્રિટિશરોના આરોગ્ય અને જિનેટિક માહિતીનો સંગ્રહ કરાયો હતો. આ બંને નવા પ્રોજેક્ટ બ્રિટનની વસતીના રિપ્રેઝન્ટેટિવ સેમ્પલ્સ એકત્ર કરવા માટે શરૂ થઇ રહ્યાં છે.
ન્યૂબોર્ન જિનોમ્સ પ્રોગ્રામ એનએચએસ સાથે ભાગીદારીમાં સરકારની માલિકીની જિનોમિક્સ ઇંગ્લેન્ડ દ્વારા શરૂ કરાયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળપણમાં જવલ્લે જ જોવા મળતા રોગો માટે જવાબદાર જિનેટિક મ્યુટેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તેના દ્વારા બાળપણમાં જ આવી જતી વિકલાંગતા કે શારીરિક નુકસાનને અટકાવવામાં આવશે. બ્રિટનમાં દરરોજ 10 બાળકનો જન્મ થાય છે. 190માંથી 1 બાળકમાં જિનેટિક મ્યુટેશન જોવા મળે છે. જો શરૂઆતમાં જ તેને શોધી કઢાય તો તે બાળકનું જીવન બદલી શકે છે.
અવર ફ્યુચર હેલ્થ પ્રોજેક્ટ એનએચએસ, શિક્ષણવિદ્દો અને પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીમાં શરૂ કરાઇ રહ્યો છે. 2025 સુધીમાં 50 લાખ પુખ્તોના ડીએનએનું એનાલિસિસ કરી તેની માહિતીનો સંગ્રહ કરાશે. બ્રિટનના હેલ્થ સેક્ટરમાં આ સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાઇ રહ્યો છે. પ્રોજેકટના ચેરમેન સર જ્હોન બેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા અમે હેલ્થકેરની માન્યતાઓમાં ધરમૂળથી બદલાવ કરવા માગીએ છીએ.
આ પ્રોજેક્ટ અંતર્ગત વ્યક્તિના લોહીના સેમ્પલ લેવાશે. તેમની ઊંચાઇ, વજન અને લાઇફસ્ટાલની વિગતો પણ એકઠી કરાશે. આ મેડિકલ રેકોર્ડના આધારે તેમને ભવિષ્યમાં થઇ શકનારા રોગોને પ્રથમ ચરણમાં જ નિદાન કરી લેવાશે. શરૂઆતમાં જ રોગોના નિદાનના કારણે હોસ્પિટલો પરના ભારણને પણ ઓછું કરી શકાશે.
અવર ફ્યુચર હેલ્થના ચીફ મેડિકલ ઓફિસર રાઘિબ અલીએ જણાવ્યું હતું કે, આ એવા પ્રકારનો સ્ટડી છે જેનો હું મારી કારકિર્દીમાં આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો.

