જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં આંતરરાજ્ય ગેંગના 16 આરોપીની ધરપકડ

Wednesday 01st February 2023 04:14 EST
 
 

અમદાવાદઃ ગુજરાત એટીએસની ટીમે ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની એક્ઝામનું પેપર ફોડનારા પેપર ફ્રોડ ગેંગના 16 સાગરીતોને વડોદરા સ્ટેકવાઇઝ ટેક્નોલોજીની ઓફિસમાંથી રવિવારે ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ હૈદરાબાદના કે.એલ. હાઈટેક પ્રેસના કર્મચારીએ પૈસાની લાલચે મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયકને પેપર લાવી આપ્યું હતું. પેપર ફોડવાના પ્રકરણના મુખ્ય આરોપી પ્રદીપ નાયક, કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી છે. કૌભાંડમાં અમદાવાદ અને વડોદરાના ક્લાસીસ સંચાલકોની સંડોવણી પણ બહાર આવી છે. સૂત્રધાર પ્રદીપ બિહારનો હોવાથી ચેનલ બિહારથી ગોઠવાયા બાદ પરીક્ષાનું પેપર વડોદરા પહોંચ્યું હતું.
પેપર વેચનારને 7 વર્ષ, ખરીદનારને 3 વર્ષની જેલની સજા થશે
ગુજરાત સરકાર પેપર લીકની ઘટના સામે કડકાઇથી કામ લેવા આવતા બજેટ સત્રમાં એક વિધેયક લાવી કાયદો બનાવવા તૈયારી કરી રહી છે. આ કાયદાની જોગવાઇ અનુસાર પેપર લીક કરનારા ખાનગી કે સરકારી તમામ લોકોને સાત કે તેથી વધુ વર્ષની કેદ ફટકારવામાં આવશે. આ ઉપરાંત પેપર ખરીદનારા પરીક્ષાર્થીઓને ત્રણ વર્ષની કેદ નક્કી કરાશે અને આજીવન ભરતી પર પ્રતિબંધ લદાશે.
સાત લાખના પેપરમાં વચેટિયા એક-એક લાખ કમાયા
જુનિયર ક્લાર્કનું પ્રશ્નપત્ર પરીક્ષાના 20 દિવસ પહેલાં 8 જાન્યુઆરીએ હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસ પાથી રૂ. 7 લાખમાં લીક થયું હતું. પ્રદીપ નાયકથી માંડીને 15 નંબરના આરોપીએ માલામાલ લોટરીની જેમ એક-એક લાખ ૨કમ વધારીને આગળ પેપરના સોદા કર્યા હતા. એટીએસએ વડોદરામાં રેડ કરી તેની થોડી વાર પહેલાં પેપરનો રૂ. 12 લાખમાં સોદો થયો હતો.


comments powered by Disqus