ધોળાવીરા ફેસ્ટિવલમાં વેરાયા ઇતિહાસના રંગ

Wednesday 01st February 2023 05:39 EST
 
 

ભુજઃ જ્યાં અજોડ અને નમૂનેદાર માનવ સંસ્કૃતિ જીવી ગઈ અને આજે સમગ્ર દુનિયાને ટાઉન અને ડેવલપમેન્ટ પ્લાનની માર્ગદર્શક બની શકે છે તે હડપ્પીય વૈશ્વિક વિરાસત ધોળાવીરા ફેસ્ટિવલનું સાક્ષી બન્યું.
ધોળાવીરા એટલે પાષાણ પથ્થરો કે કરોડો વર્ષો જૂના વૃક્ષાશ્મિઓનું સ્થળ જ નથી. કોટડા ટીંબાની વિરાસતે સંસ્કૃતિ ઉજાગર કરી અને તેનાં સાંનિધ્યમાં જ્યારે શાસ્ત્રીય સંગીત, કચ્છના જોડિયા પાવા, લોકનૃત્યની સુરાવલીઓએ આ પાષાણ લાગતા પથ્થરોને પણ જાણે ગાતા કરી દીધા હતા.
ઝાકીર હુસેનના ભાઈ એવા ઉસ્તાદ ફઝલ કુરેશી, સેક્સોફોન ઉપર અમેરિકાના જ્યોર્જ બ્રુક્સ, સારંગી વાદક દિલશાદ ખાન, ગિટારિસ્ટ સંજય દિવેચા, ગટમ પ્લેયર ગિરધર ઉડુપા, ડ્રમર મંજુનાથ સહિતના કલાકારોએ સંગીતનો જલસો કરાવ્યો હતો.
પુરાતન વાસણો-મણકાની કાર્યશાળા ઊભી કરાઈ
મ્યુઝિયમ પરિસરમાં કચ્છ અને ખંભાતના સ્થાનિક કલાકારોએ 5000 વર્ષ પહેલાં જે વાસણો, મણકાનો ઉપયોગ થતો હતો તેની જીવંત કાર્યશાળા ઊભી કરી હતી. જેમાં રમજુ કુંભારે પુરાતન માટીનાં વાસણો આબેહૂબ તૈયાર કર્યાં હતાં, જ્યારે ખંભાતના કલાકારે મોતીની માળાઓ બનાવી પુરાતન યુગને જીવતો કર્યો હતો.


comments powered by Disqus