ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખનું નામ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં જાહેર થઈ જશે. કોંગ્રેસ હાઇ કમાન્ડે ગુજરાતના નિરીક્ષકો અને પ્રદેશના નેતાઓ પાસેથી પ્રમુખ પદ માટે નામના સૂચનો મગાવ્યાં છે. સંભવતઃ આ પદ પર પરેશ ધાનાણી, વીરજી ઠુંમર અથવા અર્જુન મોઢવાડિયાનું નામ જાહેર થાય તેમ છે. જોકે પક્ષ પૂરતી ચકાસણી કર્યા બાદ જ નામ જાહેર કરશે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અત્યાર સુધીના સૌથી નબળા પ્રદર્શનને પરિણામે 17 બેઠકો આવી છે. આ પછી રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન આવશે તે નક્કી હતું. આ તરફ પાર્ટીએ પોતાના વિધાનસભા દળના નેતા તરીકે આંકલાવ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમ જ ઓબીસી નેતા અમિત ચાવડાને નિયુક્ત કર્યા છે. જોકે કોંગ્રેસના ચોક્કસ જૂથના લોકો આ પદ પર જગદીશ ઠાકોર યથાવત્ રહે તેવી માગ કરી રહ્યા છે. પરંતુ પાર્ટીમાં હાલ યુવાન ચહેરાઓને નેતૃત્વ આપવાની વાત પણ છે.

