ગાંધીનગરઃ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ધામધૂમપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ. આ ઉજવણીમાં કર્તવ્યપથ પર દેશનાં તમામ રાજ્ય, કેન્દ્રીય મંત્રાલયો, સુરક્ષા એજન્સીની ઝાંખી ટેબ્લો દ્વારા પ્રદર્શિત કરાઈ. દરેક રાજ્યના ટેબ્લો પૈકી નિર્ણાયકો અને જાહેર જનતાના મળેલા મતથી ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.
ગુજરાતના આ વખતનો ટેબ્લો ‘ક્લીન એનર્જી - ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ની થીમ પર તૈયાર કરાયો હતો. ટેબ્લોમાં કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ (સૌર અને પવન) ઊર્જાના પ્લાન્ટને દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કચ્છના પરંપરાગત પોષાકમાં સજ્જ યુવતી દર્શાવવામાં આવી હતી, જે પ્રતીકાત્મકરૂપે સૂર્ય અને પવનને પકડતી દર્શાવાઈ હતી.
પબ્લિક પોલમાં ગુજરાત નં.1
26 જાન્યુઆરીની પરેડ બાદ લોકોને જે ટેબ્લો કે ઝાંખી પસંદ આવી હોય તેના માટે ઓનલાઇન વોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 28 જાન્યુઆરી સુધી ચાલેલા આ ઓનલાઇન વોટિંગમાં ગુજરાતના ટેબ્લોને દેશના નાગરિકોને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. દ્વિતીય ક્રમે અયોધ્યામાં દીપોત્સવ દર્શાવતો ઉત્તર પ્રદેશનો ટેબ્લો આવ્યો છે, તો મહારાષ્ટ્રના ટેબ્લોને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે.

