દિલ્હીઃ ભારતમાં વર્ષો પછી ચિત્તાઓનું આગમન થયા પછી હવે ટૂંક સમયમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તાને છોડ્યા પછી હવે અહીં વધુ 12 ચિત્તાને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવશે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતે 12 ચિત્તાઓના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થળાંતર કરવા માટે દક્ષિણ આફ્રિકા સાથે કરાર કર્યા છે. અધિકારીએ કહ્યું કે, ગયા સપ્તાહે થયેલા કરાર મુજબ સાત નર અને પાંચ માદા ચિત્તા 15 ફેબ્રુઆરી સુધી કુનો પાર્ક પહોંચવાની અપેક્ષા છે.
દક્ષિણ આફ્રિકાના 12 ચિત્તા છ મહિનાથી વધુ સમયથી ક્વોરેન્ટાઇનમાં છે, જે આ મહિને કુનો પહોંચવાની અપેક્ષા હતી, પરંતુ દક્ષિણ આફ્રિકામાં કેટલીક પ્રક્રિયાઓમાં થોડો સમય લાગ્યો હોવાથી ચિત્તાના ટ્રાન્સફરમાં વિલંબ થયો હતો તેમ એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું.
ચિત્તા એકમાત્ર મોટું માંસાહારી પ્રાણી છે, જે વધુ પડતા શિકાર અને વસવાટની ખોટને કારણે ભારતમાંથી સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયા છે. ભારતમાં છેલ્લો ચિત્તો 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો. ત્યાર પછી 1952માં આ પ્રજાતિને ભારતમાંથી લુપ્ત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
જો કે ભારતમાં ચિત્તાઓના પુનઃ વસવાટ માટે ઘણા લાંબા સમયથી ચાલતા અભિયાનને ગયા વર્ષે સફળતા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2022ના રોજ તેમના 72મા જન્મદિને નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તામાંની પ્રથમ બેચ પાંચ માદા અને ત્રણ પુરુષ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા મૂક્યા હતા. જો કે આ ચિત્તાઓને થોડાક સમય સુધી ક્વોરન્ટાઇન એન્ક્લોઝરમાં રખાયા હતા.
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા 'ભારતમાં ચિત્તાના પુનઃપ્રસાર માટેના કાર્ય યોજના' અનુસાર દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને અન્ય આફ્રિકન દેશમાંથી શરૂઆતમાં પાંચ વર્ષ માટે સ્થાપક સ્ટોક તરીકે અને પછી પ્રોગ્રામની જરૂરિયાત મુજબ લગભગ 12-14 જંગલી ચિત્તા (8-10 નર અને 4-6 માદા) કે જેઓ નવી ચિત્તાની વસ્તી સ્થાપિત કરવા માટે આદર્શ છે તેમની આયાત કરાશે.

