સુરતઃ બોગસ બિલિંગ કાંડમાં હવે એસજીએસટીએ ક્રેડિટ લેનારાઓને સાણસામાં લેવાના શરૂ કર્યા છે. અત્યાર સુધી 100 કૌભાંડીઓને સમન્સ અપાયા છે, જ્યારે અન્ય 500 લોકોને ઇશ્યૂ થવાની તૈયારી છે. ધરપકડની વાત કરીએ તો અત્યાર સુધી મોટાભાગે નાની માછલીઓ જ પકડાઈ છે. ઉસ્માન ગનીને બાદ કરતાં હાલ કોઈ મોટો કૌભાંડી સાણસામાં આવ્યો નથી. બીજી તરફ આ કાંડમાં હવે અનેક જામીન અરજી આગામી સમયમાં થશે.
સુરતમાંથી કુલ 5 હજાર કરોડથી વધુના બોગસ વ્યવહાર મળ્યા
રૂપિયા પાંચ કરોડથી વધુના કેસમાં જ જીએસટી ધરપકડ કરી શક્યું છે. હાલ જે સમન્સ ઇશ્યૂ થઈ રહ્યાં છે તેમાં ખૂબ જ જૂજ કૌભાંડી સાણસામાં આાવે એવી સંભાવના છે. કેમ કે મોટાભાગના કાંડ રૂપિયા પાંચ કરોડથી નીચેની આઇટીસીના જ છે. નોંધનીય છે કે સુરતમાંથી અત્યાર સુધી 5 હજાર કરોડથી વધુના બોગસ બિલિંગના ટ્રાન્ઝેક્શન મળ્યાં છે, જેમાં અનેક કૌભાંડી ફરાર છે. આ કૌભાંડીઓએ બે ટકાની લાલચમાં બિલો ફાડીને જેને આપ્યાં છે એવા લાભાર્થીઓને પકડવા હાલ જીએસટીની એક ટીમ અલગથી કામ કરી રહી છે.
બોગસ બિલિંગ અને ચીટિંગના એક કેસમાં સંડોવાયેલા આરોપી મહેશ સાગર રાઠીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી. જ્યારે અન્ય આરોપી અને વ્યવસાયે સી.એ. એવા નીતિન કૈલાસ મહેશ્વરીની જામીન અરજી પર દલીલો બાદ મુદત પડી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ સ્કૂલના ડ્રાઇવરના નામે કંપનીઓ બનાવી સ્ક્રેપના ધંધાના નામે રૂપિયા 1.5 કરોડનું કૌભાંડ કર્યું હતું.

