ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરનાં અનેક જિલ્લા અને શહેરોના અનેક વિસ્તારમાં 27 જાન્યુઆરીથી ચાર દિવસ માવઠું પડ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે માવઠું પડ્યું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ઠંડી વધવાની સાથે માવઠું પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે મુજબ ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ખેડૂતોને વરસાદથી મોટું નુકસાન
પંચમહાલના કાલોલમાં કમોસમી વરસાદથી રાયડો બરબાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કડકડતી ઠંડી વચ્ચે માવઠું થતાં મકાઈ, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોને એક વીઘે અંદાજિત રૂ. 10 હજાર કરતાં વધુનું નુકસાન થયું છે. મોંઘા ભાવનાં બિયારણ લાવીને ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, ત્યારે માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે.
ભરશિયાળે ખેડાના ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં. ડાકોર, ઠાસરા, નેશ, કાલસર, રામપુરા, નડિયાદ, મહુધા, પીજ, વસો સહિતના વિસ્તારમાં માવઠું પડ્યું હતું, જેના પગલે ડાકોરમાં ભક્તો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વરસાદના પગલે તમાકુ, ડાંગર સહિતના ઊભા પાકને નુકસાન થયું છે. તો શનિવારના દિવસે ખેડા જિલ્લાના મહેમદાબાદના કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હતા. તો અંબાજીમાં પણ માવઠાની સાથે કરા પડ્યા હતા. અરવલ્લીના બાયડના તેનપુર, ઉન્ટરડા, અંબાલિયારા સહિતનાં ગામોમાં પણ કરા પડતાં ઘઉં, કપાસ, રાયડાના પાકમાં મોટું નુકસાન થયું છે.
દાહોદમાં સિંગવડ અને સંજેલીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતાં સીગવડ, ઝાલોદ, ફતેહપુરા સહિતના વિસ્તારોના ખેડૂતો બન્યા ચિંતાતુર બન્યા છે. તો વડોદરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સંતરામપુર, ખાનપુર, વિરપુર, બાલાસિનોર, લુણાવાડા અને કડાણા તેમજ અન્ય વિસ્તારોમાં માવઠાના પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. ઘઉં, બાજરી, મકાઈ, ચણા, શાકભાજી, તમાકુ, કપાસ, ડાંગર સહિતના ઊભા પાકને ભારે નુકસાન
થયું છે.

