ભુજઃ બે સોની વેપારી ભાઇઓના મિલકતના ઝઘડાના કારણે છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલ રોડ પર બંધ પડેલાં સોની પ્રેમજી ગોવિંદજીનો સોના-ચાંદીના શોરૂમ કે.જે. જ્વેલર્સમાંથી 47 કિલો સોનું ગાયબ થઇ ગયું હોવાના અહેવાલથી ભારે ખળભળાટ મચી ગયો હતો. જેની અંદાજીત વર્તમાન કિંમત 27 કરોડ જેટલી થાય છે. જે મામલે બંને ભાઇ દ્વારા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવતાં પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ નિવેદનો અને સ્ટોક સહિતની વિગતોનું ક્રોસ વેરીફિકેશન કરીને આગળની કાર્યવાહી કરે તેવી સંભાવના છે. આ અંગે જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શહેરના હાસ્પિટલ રોડ પર કિશોરભાઇ સોની તથા જયેશભાઇ સોની નામના બે ભાઇઓ દ્વારા કે.જે. જ્વેલર્સ નામે શોરૂમ ચલાવાતો હતો. જોકે, મિલકતની ભાગબટાઇના કારણે બંને ભાઇઓ વચ્ચે મનદુઃખ થતાં વિવાદ સર્જાયો હતો. જેના પરિણામે વર્ષ ૨૦૧૮માં શોરૂમને સીલ મારી દેવામાં આવ્યું હતું અને સમગ્ર મામલો આર્બિટ્રેટર સમક્ષ પહોંચ્યો હતો. શોરૂમાં રહેલા માલના ભાગલા બાબતે બંને ભાઇઓ દ્વારા તથા આર્બિટેશન રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે આર્બિટેશન દ્વારા શોરૂમને બંને ભાઇઓની હાજરીમાં ખોલવામાં આવતાં શોરૂમમાં રહેલું અંદાજિત રૂ.૨૫ કરોડની કિંમતનું ૪૭ કિલો જેટલું સોનું જોવા મળ્યું નહોતું.

