મોરબી: મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી ગણાતા ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલે 31 ડિસેમ્બરે મંગળવારે બપોરે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
27 જાન્યુઆરીએ મોરબી પુલ દુર્ઘટના કેસમાં સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી, જેમાં ભાગેડુ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાંની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી, જે બાદથી જ શક્યતા સેવાઈ રહી હતી કે ગમે તે સમયે જયસુખ પટેલ સરેન્ડર કરી શકે છે.
અત્યાર સુધી મોરબી પુલ દુર્ઘટના કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10મા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. જે બાદ 31 જાન્યુઆરીએ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
87 દિવસ પછી જયસુખ પટેલને દુઃખ થયું
અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનાવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી. જે અરજી હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. જેમાં ઘટનાના 87 દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે, ‘મને અફસોસ છે. વળતર આપીને હું મારી જવાબદારીમાંથી છૂટી નથી જતો, પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ. ઝૂલતા પુલનું રિનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતું, જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફક્ત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું. હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ.’
ગુજરાત હાઇકોર્ટે કરી હતી ટકોર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વળતર ચૂકવી દેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી. આ ઉપરાંત હાઇકોર્ટે જયસુખ પટેલ પર જરૂરી પગલાં લેવા માટે સરકારને ટકોર કરી હતી. આ ઘટના બન્યાને 87 દિવસ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે હવે જયસુખ પટેલે અફસોસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો.

