યાત્રાધામ ચાંદોદ ખાતે આરતી, પૂજન અને મનોરથ સાથે નર્મદા જયંતીની ઉજવણી

Wednesday 01st February 2023 05:17 EST
 
 

વડોદરા: મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી ભરૂચ દરિયામાં વિસર્જિત થતી નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન છે. નર્મદા જયંતી નિમિત્તે ચાંદોદનો પ્રખ્યાત મલ્હારરાવ ઘાટને રંગરોગાન કરીને સજાવવામાં આવ્યો હતો. તેમજ ભક્તો દ્વારા માતાજીને ચૂંદડી મનોરથ પણ ચઢાવવામાં આવ્યો હતો. સાંજ પડતાં જ નર્મદા માતાજીની ઘાટ પરથી ભવ્ય આરતી પણ યોજાઈ હતી,.જેમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 28 જાન્યુઆરીએ મહાસુદ સાતમની તિથિને રથ સપ્તમી તેમજ નર્મદા જયંતી તરીકે ઓળખાય છે. ચાંદોદ, કરનાળી સહિત નર્મદા નદી પર અનેક આશ્રમો અને મંદિરોમાં શનિવારે નર્મદા જયંતી નિમિત્તે ખાસ પૂજા, આરતી અને ચૂંદડી મનોરથના આયોજનો થયાં હતાં. રેવા તટે બાળકોએ કેક કાપી અનોખી રીતે નર્મદાજીના જન્મદિવસને ઉજવ્યો હતો.
સવારે પ્રભાત ફેરી, બપોરે મહાઆરતી
સવારે પ્રભાત ફેરી સહિત નર્મદાયાગ, વિશેષ પૂજા અર્ચ તેમજ નર્મદાજીના પ્રાગટ્ય સમયે બપોરે મહાઆરતી અને માતાજીને ચૂંદડી-સાડી અર્પણ કરવાનો મનોરથ યોજાયો હતો ભક્તોએ નર્મદાજીના પુણ્ય સ્નાનના લાભ સાથે શ્રીફળ ચૂંદડી કુમકુમ દૂધ પુષ્પ જેવી સામગ્રી નર્મદા મૈયાને અર્પણ કરી માતાની કૃપા યાચી હતી.


comments powered by Disqus