રાજકુમાર રાજ્યના નવા ચીફ સેક્રેટરી

Wednesday 01st February 2023 04:12 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે ગુજરાત કેડરના 1987ની બેચના આઈએએસ ઓફિસર રાજકુમારની નિમણૂુક કરવામાં આવી છે. આઇએએસમાં તેઓ બીજા નંબરે સિનિયર મોસ્ટ ઓફિસર છે. તેમણે 31 જાન્યુઆરીએ તેમના નવા હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. આ નિયુક્તિના ઓર્ડર સાથે સચિવાલયમાં છેલ્લા બે મહિનાથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.
કેન્દ્રના પરામર્શમાં રહીને રાજ્ય સરકારે વહીવટી વડાની પોસ્ટ ભરી દીધી છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ પ્રમાણે 31 જાન્યુઆરીએ હાલના ચીફ સેક્રેટરી પંકજકુમાર નિવૃત્ત થયા ત્યારે આ જગ્યાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (એસીએસ) રાજકુમારની ટ્રાન્સફર કરવામાં આવી છે.
1986ના બેચના ગુજરાત કેડરના પંકજકુમારની નિમણૂક 31ી ઓગસ્ટ 2021એ કરાઈ હતી. તેઓ મે 2022માં વયનિવૃત્ત થયા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણી હોવાથી તેમને ગયા મે મહિનામાં આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમનો એક્સટેન્શન પિરિયડ 31 જાન્યુઆરીએ પૂર્ણ થયો છે. આ અગાઉ અનિલ મુકીમને સરકારે છ-છ મહિનાનું બે વખત એક્સટેન્શન આપ્યું હતું. તેઓ 31 ઓગસ્ટ 2021એ નિવૃત્ત થયા હતા. નવા ચીફ સેક્રેટરીનો ઓર્ડર 25 જાન્યુઆરીએ થયો હતો, જેથી 31 જાન્યુઆરી સુધી રાજકુમારે ચીફ સેક્રેટરીની ઓફિસમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે ફરજ બજાવી હતી.


comments powered by Disqus