રાજકોટઃ રાજકોટમાં રવિવારે મોટા પ્રમાણમાં લોકો રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા માટે આવતા હોય છે, તો કેટલાક પોતાની કોલેજના મેદાનમાં વિવિધ રમતો રમતા હોય છે. જો કે 29 જાન્યુઆરીના રવિવારે રેસકોર્સ અને મારવાડી કોલેજના ગ્રાઉન્ડમાં એક-એક ખેલાડીનું રમત દરમિયાન જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
રેસકોર્સ મેદાનમાં સવારે ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકને બોલ વાગ્યા બાદ તેણે રનર રાખ્યો હતો. ઇજા બાદ 22 રન કરી આઉટ થયેલો યુવક પોતાની કારમાં બેસીને મેચ જોતો હતો એ વખતે જ તેનું હાર્ટ ફેઇલ થઈ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં મારવાડી કોલેજમાં સાંજે 7.30 વાગ્યે ફૂટબોલ રમતો વિદ્યાર્થી ગોલ પૂરો કરે એ પહેલાં ઢળી પડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરે હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.
યુવક મિત્રો સાથે રેસકોર્સમાં ક્રિકેટ રમવા ગયો હતો
ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતો રવિ ગાવડા નામનો યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. સ્થાનિક ટીમ સાથેની ટેનિસ બોલથી ચાલતી મેચ દરમિયાન રવિને બોલ લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો. ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવી તે આઉટ થયો હતો. આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે કારમાં બેઠો હતો તે દરમિયાન તેનું મોત થયું.
મારવાડી કોલેજના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
બીજી ઘટનામાં મૂળ ઓડિશાના વતની અને હાલ રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિવેકકુમાર ભાસ્કર નામના વિદ્યાર્થીનું ગઈકાલે સાંજે 7:30 કલાકે મારવાડી કોલેજના કેમ્પસમાં ફૂટબોલ રમતાં મોત થયું હતું. વિવેક રમત દરમિયાન અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ અહીં સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થયું હતું.

