રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનની નવી ઓળખ ‘અમૃત ઉદ્યાન’

Wednesday 01st February 2023 06:03 EST
 
 

દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન તેની અનોખી સુંદરતા માટે જગવિખ્યાત છે, જેને જોવા માટે દરવર્ષે લાખો પર્યટકો આવે છે. આ મુગલ ગાર્ડનમાં 138 પ્રકારનાં ગુલાબ, 10 હજારથી વધુ ટ્યુલિપ્સ અને 70 વિવિધ પ્રજાતિના આશરે 5 હજાર મોસમી ફૂલો જોવા મળે છે. દરવર્ષે શિયાળા દરમિયાન આ ગાર્ડન સામાન્ય જનતા માટે ખોલવામાં આવે છે.
રાષ્ટ્રપતિ ભવનનો આ મુગલ ગાર્ડન હવે ‘અમૃત ઉદ્યાન’ના નામથી ઓળખાશે. નવા નામ સાથે સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવેલા આ ગાર્ડનને સૌપ્રથમ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાવ્યો હતો, ત્યારથી આજ સુધી દર શિયાળામાં ગાર્ડનને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 15 એકર જમીનમાં ફેલાયેલા આ ગાર્ડનનું નિર્માણ બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે મુગલ ગાર્ડન દેશના રાષ્ટ્રપતિ ભવનની આત્મા છે. બ્રિટિશ વાસ્તુકાર સર એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા રાષ્ટ્રપતિ ભવન અને મુગલ ગાર્ડનને ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં.
રાષ્ટ્રપતિનાં ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નવિકા ગુપ્તાએ જાણકારી આપતાં જણાવ્યું કે, મુગલ ગાર્ડનમાં આવનારા લોકોની સુવિધા માટે તમામ છોડની પાસે ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. તેની સાથે જ એક મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે રોજ અહીં આશરે 20 પ્રોફેશનલ અહીં ગાઇડ તરીકે હાજર કરશે, જે આગંતુકોને તમામ છોડ અને ફૂલની જાણકારી આપશે.
નવિકા ગુપ્તાએ વધુમાં કહ્યું કે, રામનાથ કોવિંદના સમય સુધી અહીં ચાર ગાર્ડન હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીં વધુ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ગાર્ડનને નામ અપાયું છે ‘અમૃત ઉદ્યાન’. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ‘અમૃત ઉદ્યાન’ ઘણા ભાગમાં વહેંચાયેલો છે. જેમાં રોઝ ગાર્ડનની સાથે બાયો ડાઇવર્સિટી પાર્ક, હર્બલ ગાર્ડન, બટરફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, સનકીન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રિશિયન ગાર્ડન અને બાયો ફ્યુઅલ પાર્ક પણ છે. આ તમામ ગાર્ડનને હવે ‘અમૃત ઉદ્યાન’ના નામથી જ ઓળખવામાં આવશે.


comments powered by Disqus