વડોદરાઃ નવલખી ખાતે 11મા વીસીસીઆઈ એક્સપોમાં રવિવારે યુનાઇટેડ અરબ અમીરાતની રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ અને વીસીસીઆઇ સાથે એમઓયુ કરવામાં આવ્યું હતું. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ તેમજ યુએઇના સંગઠન એકબીજાની સાથે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રની માહિતીનું આદાન-પ્રદાન કરશે. બંને ચેમ્બર એકબીજાની સાથે વેપાર-ઉદ્યોગમાં રહેલી તમામ સંભાવનાનું આદાન-પ્રદાન કરશે અને તેના દ્વારા વેપાર- ઉદ્યોગનો વિકાસ બંને દેશમાં થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
વીસીસીઆઇના પ્રમુખ મેઘજી પટેલ, માનદ મંત્રી જલંધુ પાઠક અને સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને એક્સપોના ચેરમેન હિમાંશુ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે રસલ ખેમા તરફથી ચેરમેન સુપ્રીમ કાઉન્સિલ ઓફ એસએમઈ યુસુફ ઈસ્માઈલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રવિવારે 3 લાખથી વધુ વિઝિટર્સે મુલાકાત લીધી હતી.
વીસીસીઆઈ એક્સપોમાં આઈટીઆઈ તરસાલીના પ્રિન્સિપાલ એ.આર. શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓએ પોતાની તાલીમ દરમિયાન શીખેલા વિવિધ પ્રોજેક્ટના વર્કિંગ મોડેલ બનાવી રજૂ કર્યા હતા. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં પાવર જનરેશનથી ડિસ્ટ્રિબ્યૂશન સુધી તેમજ કચરાને બાળીને તેમાંથી એનર્જી ઉત્પન્ન કરવાનું મોડલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. કેટલાક ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ તેમની સાથે વાતચીત પણ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

