શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયાને વિશ્વ ગુજરાતી સમાજની શ્રદ્ધાંજલિ

Wednesday 01st February 2023 04:17 EST
 
 

અમદાવાદઃ સદાકાળ ગુજરાતનો આદર્શ ચિત્તમાં સતત ગૂંજતો રાખનારા અને વિશ્વ ગુજરાતી સમાજના પૂર્વ પ્રમુખ શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયાનું 92 વર્ષની વયે નિધન થયું છે. શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયાના નિધનથી તેમનો પરિવાર અને વિશ્વ ગુજરાતી સમાજ શોકમાં ગરકાવ થઈ ગયો છે. જે અંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલ અને મહામંત્રી સુધીર એસ. રાવલે તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
વિશ્વભરના ગુજરાતીઓ માટે ખાલીપો સર્જાયો
શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયા વિશ્વ ગુજરાતી સમાજ સાથે સ્થાપનાકાળથી જોડાયેલા રહ્યા હતા અને સતત અઢી દાયકા સુધી વિશ્વ ગુજરાતી સમાજનું સફળ નેતૃત્વ પણ કર્યું છે. સદાકાળ ગુજરાતના આદર્શને ચિત્તમાં ગૂંજતો રાખી ગુજરાતની અસ્મિતા માટે તેમણે દૃષ્ટાંતરૂપ પુરુષાર્થ ખેડ્યો છે. વ્યવસાયે જાણીતા ધારાશાસ્ત્રી, જાગૃત નાગરિક, રાજનીતિમાં સમાજવાદી વિચારધારાના નીતિશુદ્ધ પુરસ્કર્તા અને કળિયુગના ધસમસતા પ્રવાહ વચ્ચે અડીખમ ઊભા રહેનારા કૃષ્ણકાંતભાઈની વિદાયથી વિશ્વભરના ગુજરાતીઓમાં ખાલીપો સર્જાયો છે.
દુનિયાભરના ગુજરાતીઓની કલા-સેવાપ્રવૃત્તિને આપ્યો વેગ
શ્રી કૃષ્ણકાંતભાઈએ વિશ્વ ગુજરાતી સમાજના માધ્યમ દ્વારા દુનિયાભરના ખૂણેખૂણે ખોવાયેલા કે પ્રસરેલા ગુજરાતીઓને સાથે જોડી સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને શૈક્ષણિક સેવાપ્રવૃત્તિને વેગ આપ્યાનો ઇતિહાસ અવિસ્મરણીય છે. તેમણે વિવિધ વિષયો પર અનેક લેખ લખ્યા છે અને તેમના સાર્વજનિક જીવનનાં સંસ્મરણોનું પુસ્તક ‘યુગદર્શન’ પ્રકાશિત થયું છે. તેમણે પ્રતિભાશાળી વ્યક્તિત્વને પોંખવામાં અગ્રેસર રહી સમાજકૌશલ્યનું સદા સન્માન કર્યું છે. આ સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં પ્રવૃત્તિરત્ રહેતા શ્રી કૃષ્ણકાંતભાઈનું અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ધરાવતા શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયાએ વિશ્વ ગુજરાતી સમાજની કરેલી સેવાઓ અને આપેલા માર્ગદર્શનની સાભાર નોંધ લીધી છે અને શોકસભા યોજી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


comments powered by Disqus