સપાના સ્વામીપ્રસાદ મૌર્યએ સળગાવ્યું રામચરિત માનસઃ 5ની ધરપકડ

Wednesday 01st February 2023 06:03 EST
 
 

લખનઉઃ લખનઉમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામીપ્રસાદ મૌર્ય દ્વારા રામચરિત માનસને સળગાવવામાં આવ્યું, જે અંગે મૌર્ય સહિત ઓબીસી મહાસભાના 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં 5 આરોપીની ધરપકડ કરાઈ છે.

ભાજપ નેતા સતનામસિંહે જણાવ્યું કે, રામચરિત માનસ સળગાવ્યા બાદ આસપાસના લોકો આક્રોશમાં આવી ગયા હતા અને ભીડ એકઠી થવા લાગી હતી. તેમને સમજાવવા છતાં તેઓ માન્યા નહોતા, કારણ કે તેમને સ્વામીપ્રસાદ મૌર્ય દ્વારા આમ કરવાની દુષ્પ્રેરણા અપાઈ હતી. તેમને રામચરિતમાનસ ન સળગાવવા અંગે મનાવતાં તેઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. સાથે જ તે લોકોએ ચોક્કસ સમુદાયની ભાવનાઓ ઠેસ પહોંચાડી સાંપ્રદાયિક હિંસા ફેલાવવાના પ્રયાસની સાથે માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સમગ્ર ઘટના બાદ રામચરિત માનસ પર સમગ્ર ઉત્તરપ્રદેશમાં ઘમાસાણ શરૂ થઈ ગયું હતું. જે અંતર્ગત લખનઉમાં સ્વામીપ્રસાદ મૌર્યના પૂતળાને સળગાવવામાં આવ્યું અને તેમના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન પણ થયાં. તો દેખાવકારો દ્વારા સમાજવાદી પાર્ટીની ઓફિસની બહાર સ્વામીપ્રસાદ મૌર્ય અને અખિલેશના વિરોધમાં વિવાદાસ્પદ લખાણવાળાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં.

લખનઉ પીજીઆઇ પોલીસે રામચરિત માનસને સળગાવવા અને ફાડવાના મામલે પાંચ આરોપીની ધરપકડ કરી છે. રામચરિત માનસને સળગાવતા વાઇરલ થયેલા વીડિયોના આધારે પોલીસે આ તમામ પાંચ આરોપીની ધરપકડ કરી છે.

ઓબીસી મહાસભાના પદાધિકારી દેવેન્દ્ર પ્રતાપ યાદવે આ અંગે જણાવ્યું કે, રામચરિત માનસને સળગાવવાનો અમારા પરનો આરોપ ખોટો છે. અમે રામચરિત માનસની આપત્તિજનક ટિપ્પણીની ફોટોકોપી સળગાવી છે. શુદ્રો અને મહિલાઓ વિરુદ્ધની ટિપ્પણીની ફોટોકોપીને સાંકેતિક રૂપમાં સળગાવવામાં આવી છે.


comments powered by Disqus