ગાંધીનગર: 76 દિવસ પહેલાં 156 બેઠકો જીતવાની અસર શુક્રવારે રાજ્યના બજેટમાં સ્પષ્ટ નજરે પડી. ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3.01 લાખ કરોડનું બજેટ રજૂ થયું, જેમાં ગુજરાતની જનતાને વિકાસ અને પ્રગતિનો અમૃતકાળ દેખાડવાનો પ્રયાસ થયો. જો કે હાલ તો આ અમૃતકાળ ઇરાદાઓથી વધારે વાયદાઓનો લાગી રહ્યો છે. અલબત્ત સરકાર દાવો કરી રહી છે કે 5 વર્ષમાં ગુજરાતનું અર્થતંત્ર 42 લાખ કરોડનું થઈ જશે. એ વાત જુદી છે કે સરકાર વિશ્વ બેન્ક પાસેથી 4200 કરોડ રૂપિયાની લોન લેવાનો પણ વિચાર કરી રહી છે. જાહેરાતોની વાત કરીએ તો શિક્ષાવિભાગને સૌથી વધુ 43 હજાર કરોડ મળ્યા છે. પ્રવાસન ક્ષેત્રને વધારા સાથે પણ 8 હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જાહેર આરોગ્ય અને ગરીબો માટે તિજોરીના દરવાજા થોડા જ ખૂલ્યા છે.
દ્વારકામાં એરપોર્ટ, સિક્સલેન હાઇવે, એરપોર્ટ જેવા બસ સ્ટોપ
દ્વારકામાં નવું એરપોર્ટ બનશે, બજેટમાં અમદાવાદ-બગોદરા- રાજકોટ, અમદાવાદ-મહેસાણા- પાલનપુર સહિત 6 સિક્સલેન હાઇવે બનશે. અમદાવાદ, ભરૂચ, અમરેલી, પાટણ, મોડાસામાં એરપોર્ટ જેવી સુવિધા સાથેના બસ સ્ટેશન બનશે.
મહિસાગર, ડાંગ, અરવલ્લીમાં મેડિકલ કોલેજ સ્થપાશે
ગુજરાતના અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થપાશે. સરકારે રજૂ કરેલા બજેટમાં આ જાહેરાત કરી છે. નિશ્ચિતરૂપે આ જાહેરાતથી ગુજરાતના જ નહીં દેશના અનેક યુવાનોને લાભ મળશે.
ધોળાવીરા-શિવરાજપુરમાં ટેન્ટ સિટી, ઇકો ટૂરિઝમ વિકસાવાશે
પ્રવાસન સ્થળ વિકસાવવા બજેટમાં 2074 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઇકો ટૂરિઝમ માટે 640 કરોડ રૂપિયા ફાળવાયા છે. 300 કરોડમાં અંબાજી, ધરોઇમાં વૈશ્વિક સ્તરના પર્યટન સ્થળ બનાવાશે. ધોળાવીરા, ધરોઇ, નડાબેટ, શિવરાજપુરમાં ટેન્ટ સિટીની જાહેરાત.
ગરીબોને 5 રૂપિયામાં ભોજન, શિષ્યવૃત્તિ-લાઇબ્રેરી શરૂ થશે
ગરીબોને રૂ. 5માં ભોજન કરાવવા રાજ્યભરમાં 105 કેન્દ્ર શરૂ કરાશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધોરણ 1થી 10ના વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ માટે રૂ. 376 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સરકાર ઓનલાઇન લાઈબ્રેરી પણ શરૂ કરશે.
દરેક જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ચિલ્ડ્રન હોમ બનશે
રમતગમતની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા દરેક જિલ્લા-તાલુકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે. વિવિધ જિલ્લામાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડ મંજૂર કરાયા છે. દિવ્યાંગો માટે સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના જાહેર કરાઇ છે. આ ઉપરાંત દિવ્યાંગોને સાધન સહાય મળશે.
ગુજરાતના ભાવિ વિકાસના 5 એજન્ડા
રાજ્ય સરકારે પ્રથમ વખત અમૃતકાળ માટે ભાવિ પેઢીને ધ્યાનમાં રાખતા સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, વિશ્વ કક્ષાની આંતરમાળખાકીય સગવડો, પ્રવાસન-સેવા ક્ષેત્રો થકી રોજગારીની તકો અને ગ્રીન ગ્રોથના પાંચ પ્રમુખ એજન્ડા નક્કી કરી ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા પાંચ વર્ષના વિઝન સાથે આત્મનિર્ભરતા આધારિત બજેટ રજૂ કર્યું છે. જેમાં 2024માં લોકસભાની ચૂંટણી સમયે મતદારો સમક્ષ ફરી જવા માટેની જાહેરાતો અને પાંચ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ કેવાં મહત્ત્વનાં કામ આગળ વધારાશે તેનો પાયો પણ રાજકીય ગણતરીથી નાખી દેવામાં આવ્યો છે.
પાંચ વર્ષ માટે ફરી ચૂંટાઈ આવેલી ભાજપ સરકારે પાંચ વર્ષ દરમિયાન સરકારના મુખ્ય વિભાગોમાં કેવી કામગીરી થશે અને તેના કારણે શું ફાયદો થશે અને ગુજરાતની ભાવિ દિશા કયા ક્ષેત્ર આધારિત રહેશે તે આ બજેટમાં સ્પષ્ટ થયું છે.
ભાજપના સંકલ્પપત્ર અને કેન્દ્ર સરકારના બજેટની ઝલક પણ કેટલીક જાહેરાતોમાં સાંકળી લેવામાં આવી છે. તો આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું ઘરેલું ઉત્પાદન (GSDP) 42 લાખ કરોડ ઉપરાંત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે પાંચ સ્તંભ નક્કી કરવામાં આવ્યા છે તેમાં કઈ બાબતોનો સમાવેશ થશે તે આ મુજબ છે.
કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન માટે 1580 કરોડ અને MSME માટે 1500 કરોડ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ. 8589 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન માટે રૂ. 1580 કરોડ અને MSMEને વિવિધ સહાય માટે રૂ. 1500 કરોડની સહાય અપાશે. ઔદ્યોગિક વસાહતમાં ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ સહિતની સગવડ માટે ડીપ-સી પાઇપ લાઇન નાખવા રૂ. 400 કરોડ ખર્ચાશે.
ગિફ્ટ સિટી પાસે રૂ. 150 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનશે
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીની નજીક રૂ. 150 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ વિકસાવાશે. ગિફ્ટ સિટીને વધુ આકર્ષક બનાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

