અમદાવાદ અને ગાંધીનગરમાં શરૂ થશે ઓસ્ટ્રેલિયાની બે મોટી યુનિવર્સિટીના કેમ્પસ

Wednesday 01st March 2023 04:21 EST
 
 

ગાંધીનગરઃ વિશ્વની શ્રેષ્ઠ 300 યુનિવર્સિટીમાં સામેલ ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ સ્થાપવાની ઇચ્છા ધરાવે છે. આ અંગે ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ અને ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ દ્વારા કેન્દ્ર સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે. બંને યુનિવર્સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી સાથે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સ્વતંત્ર ‘ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ’ સ્થાપવા અંગે વાટાઘાટો શરૂ કરી છે.
8 માર્ચે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ ભારતની મુલાકાતે આવી રહ્યા છે, તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે અને એન્થોની અલ્બેનીઝ સાથે અમદાવાદના મોટેરા ખાતે ભારત-ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ નિહાળશે. નરેન્દ્ર મોદી અને એન્થોની અલ્બેનીઝની આ મુલાકાત સમયે બંને યુનિવર્સિટી પૈકી એક યુનિવર્સિટીનું ઔપચારિક એલાન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ અને ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ વિશ્વમાં અનુક્રમે 250 અને 300 બેન્ડ ધરાવે છે.
IFSCA - ગિફ્ટ સિટી રેગ્યુલેટર દ્વારા વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા મંજૂરી આપવા રૂલબુક તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે બજેટમાં જાહેરાત કરી હતી કે વિશ્વકક્ષાની વિદેશી યુનિવર્સિટી અને સંસ્થાઓને ગિફ્ટ સિટીમાં નાણાકીય વ્યવસ્થાપન, ફિનટેક, વિજ્ઞાન, તકનિક, એન્જિનિયરિંગ અને ગણિતના અભ્યાસક્રમો ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે.


comments powered by Disqus