સુરતઃ ભાવનગરના અલંગ શિપયાર્ડમાં વર્ષ 2000માં નોંધાયેલા મર્ડરના આરોપીને સુરત ક્રાઇમબ્રાન્ચે 23 વર્ષે યુપીથી પકડી પાડ્યો હતો. મજૂરીનાં નાણાંના હિસાબ મુદ્દે સાથી કામદારની ઘાતકી હત્યા કરી આરોપી ફરાર હતો.
23 વર્ષ પહેલાં ભાવનગર અલંગ શિપયાર્ડ ખાતે સોસિયો યાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે 17 માર્ચ 2000ના રોજ શ્રીભાણ નાઈને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીનાં નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈને રાજારામે નાથુપ્રસાદ ચોરસિયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઈ ચંદ્રભાણે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારથી આરોપી ફરાર હતો. ફરાર આરોપી પર રાજ્ય સરકારે રૂ. 10 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
દરમિયાન થોડા સમય પહેલાં તે યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમબ્રાન્ચને મળતાં ક્રાઇમબ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણને લખનઉથી પકડી પાડ્યો હતો.

