રાજકોટઃ દરેક પ્રકારના ઓટોમોબાઇલ અને એન્જિનિંયરિંગમાં રાજકોટ અગ્રહરોળમાં આવે છે. જો કે હવે અહીંનાં ઔદ્યોગિક એકમો ડિફેન્સનાં સાધનો પણ બનાવી આત્મનિર્ભર ભારત તરફ વધુ એક ડગ માંડશે. એમએસએમઈ મંત્રાલય આયોજિત મેગા કોન્ક્લેવમાં ડિફેન્સનાં સાધનો બનાવવા અંગે ગુજરાત ચેમ્બર અને સિક્યોરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ એસોસિયેશન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે.
મશીનો માટે હવે ડાઈ ઘરઆંગણે જ બનશે
રાજકોટમાં એરોનોટિકલ અને એરોસ્પેસના પાર્ટ્સ તો બનશે જ, આ સિવાય રૂ. 50 કરોડના ખર્ચે એક્ઝિબિશન સેન્ટર અને આધુનિક ટૂલરૂમ બનાવવામાં આવશે. રાજકોટમાં રૂ. 200 કરોડના ખર્ચે 20 એકરમાં ટૂલ રૂમ બનશે, જેમાં અત્યાધુનિક ટેક્નોલોજીવાળાં સાધનો હશે. હવે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર ઔદ્યોગિક પ્રદર્શન માટે કાયમી ધોરણે એસી ડોમ બનશે, જેના માટે રૂ. 50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એમએસએમઈ સચિવ બી.બી. સ્વેને જણાવ્યું હતું કે, ઉદ્યોગો રોજગારી સર્જનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
અમેરિકા-યુરોપમાં થતી નિકાસમાં તેજી
સૌરાષ્ટ્રની નિકાસમાં તેજી-મંદી સાથે જોવા મળે છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ત્યાં વેપાર-એક્સપોર્ટ માટે મંજૂરી મળી છે. નાણાકીય વ્યવહારો માટે સુવિધાના અભાવને લઈને સૌથી મોટી મુશ્કેલી પડી રહી હોવાનું ડીજીએફટીના જોઇન્ટ ડાયરેક્ટર જે.ટી. બિશ્નોઈ જણાવે છે. બીજી બાજુ કોરોના બાદ અમેરિકા, યુરોપમાં વેપાર-નિકાસ માટે સૌરાષ્ટ્ર ચાઇનાનો બીજો વિકલ્પ બન્યું છે, જેના કારણે આ દેશમાં જે નિકાસ કરે છે તેવા ક્ષેત્રમાં તેજી જોવા મળે છે, પરંતુ જે ક્ષેત્રમાં કોઈ પરિવર્તન નથી થયું તેવા ક્ષેત્રના વેપાર-નિકાસ માટે મંદી જોવા મળે છે તેમ ચેમ્બર ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા જણાવે છે.

