અમદાવાદઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં ડિંગુચાના પરિવારના 4 સભ્યોનું કેનેડા-અમેરિકા બોર્ડર પર ઠંડીમાં ઠૂંઠવાઈ જતાં મોત નીપજ્યું હતું. એ પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં છત્રાલનાં પતિ-પત્ની અને દીકરા પૈકી પતિનું મેક્સિકોની દીવાલ કૂદતાં પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનામાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી આપનારા કલોલના સાહિલ વ્યાસ અને સૌરભ પટેલની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધરપકડ કરી હતી.
છત્રાલના બ્રિજકુમાર યાદવને પત્ની પૂજા અને દીકરા તન્મય સાથે અમેરિકા જવા 18 નવેમ્બર 2022એ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ મોકલવામાં આવ્યાં હતાં. મુંબઈથી તેઓ ઇસ્તાંબુલ અને ત્યાંથી મેક્સિકો ગયાં હતાં. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં ઊંચી દીવાલ પાર કરી રહ્યા હતા તે સમયે દીવાલ પરથી પડકાતાં બ્રિજકુમારનું મૃત્યુ થયું હતું. પત્ની અને બાળકનો હજુ કોઈ પત્તો નથી.
ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં 5 એજન્ટ સહિત 7 લોકોનાં નામ સામે આવ્યાં હતાં, જેમાં એક શખ્સ અમદાવાદનો અને 6 ગાંધીનગરના હતા. આ ટોળકીએ બ્રિજકુમારને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા. કબૂતરબાજીના આ કૌભાંડમાં જે 5 મુખ્ય એજન્ટ છે, તેમાં મુખ્ય આરોપી કેતુલ પટેલ અને હાર્દિક પટેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત કબૂતરબાજીના આ કૌભાંડમાં અન્ય 3 એજન્ટ પણ સામેલ છે, જેમનાં નામ હજુ સુધી પોલીસ જાણી શકી નથી.

