થેલિસિમિયા વેલનેસ સેન્ટર માટે જૂનાગઢ એમઈઆરએસનો આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે કરાર

Wednesday 01st March 2023 05:21 EST
 
 

જૂનાગઢઃ જૂનાગઢ અને તેની આસપાસના જિલ્લાઓમાં થેલિસિમિયાનો મુદ્દો હાથ ધરવાના પ્રથમ પગલારૂપે થેલિસિમિયા સેન્ટરની સ્થાપના કરવા જૂનાગઢ એમઈઆરએસ અને આરએએફ ગ્લોબલ વચ્ચે લાંબા ગાળાની ભાગીદારી કરવામાં આવી છે.

આરએએફ ગ્લોબલ મુખ્યત્વે આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. 2015થી કાર્યરત્ આરએએફ ગ્લોબલ ભારતમાં ભારતીય કંપની અધિનિયમ - 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલી છે. જેના દ્વારા જૂનાગઢ સિવિલમાં થેલિસિમિયા સેન્ટરમાં 10 પથારી, 20 બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટેન્ડ તથા બાળ-દર્દીઓની ઉંમરને અનુરૂપ રમતનાં સાધનો અને પુસ્તકાલય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આરએએફ ગ્લોબલે સ્વૈચ્છિક રક્તદાતાઓને એકત્ર કર્યા છે અને થેલિસિમિયા જેવા રોગથી પીડાતા દર્દીઓ અને શસ્ત્રક્રિયાઓ કરાવતા દર્દીઓ માટે સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરાવ્યું છે. વર્ષ 2021થી આરએએફ ગ્લોબલે મેડિકલ ઓક્સિજન માટેની જિલ્લા હોસ્પિટલની જરૂરિયાત બાબતે આત્મનિર્ભરતા ઊભી કરવા ગુજરાતની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ સાથે ભાગીદારી કરી ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પણ સ્થાપ્યો છે.

આરએએફ ગ્લોબલ માટે જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના નિર્ણાયક જીવનરક્ષક માળખાને પ્રોત્સાહન આપવા માટે વેલનેસ સેન્ટર રૂપે આ બીજો મોટો સહયોગ છે. થેલિસિમિયા વેલનેસ સેન્ટર એ આરએએફ ગ્લોબલ દ્વારા ત્રીજા સ્તરનાં શહેરોમાં જિલ્લાસ્તરે જાહેર આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલીને મજબૂત કરવા માટેની વિસ્તૃત પ્રતિબદ્ધતા છે. આ સેન્ટરમાં સ્થાનિક શહેરોના અસરગ્રસ્ત દર્દીઓ સ્થાનિક સ્તરે જ અસરકારક તબીબી સારવાર મેળવી શકે છે.


comments powered by Disqus