દરિયાકાંઠાના વિસ્તારોમાં વધતું જળસ્તરઃ કચ્છનાં કેટલાંક ગામ પર જોખમ

Wednesday 01st March 2023 04:55 EST
 
 

અમદાવાદ: ગુજરાતમાં દરિયો ઝડપથી જમીન તરફ આગળ વધી રહ્યો છે. વાયુમંડળમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઇડના કારણે ગુજરાતના દરિયાકાંઠાનું જળસ્તર વધી રહ્યું છે. પીઆરએલના પૂર્વ વૈજ્ઞાનિકે કરેલા એક સંશોધનમાં એવા ચોંકાવનારાં તારણો બહાર આવ્યાં છે કે, ગુજરાતમાં દરવર્ષે 5-10 મિ.મી. જળસ્તર વધી રહ્યું છે, જે ચિંતાજનક છે. જો આ જ સ્થિતિ રહી તો પાંચ-દસ વર્ષમાં જ કચ્છના કાંઠાનાં ગામો દરિયામાં ગરકાવ થઈ જશે.
વધતાં જતાં વાહનોને કારણે ધુમાડાની માત્રા વધી રહી છે. આ ઉપરાંત ઉદ્યોગો, કારખાનાં અને ફેક્ટરીઓના ધુમાડાને કારણે હવામાં ઝેરી રજકણો વધી રહ્યા છે. વધતા વાયુ પ્રદૂપણમાં ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની પણ મોટી ભૂમિકા છે. શહેરો કોંક્રિટના જંગલમાં ફેરવાઈ રહ્યા છે અને વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે. આ બધાય કારણોસર કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરિણામે દરિયાનું તાપમાન વધતાં દરિયાનું જળસ્તર વધવાની ગતિમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પીઆરએલના પૂર્વ વૈજ્ઞાનિક પ્રો. રાજમલ જૈન, ઇસરોના વૈજ્ઞાનિક માણેક કાલુબમેં અને બાયોસેગના પીએચ.ડી. સ્ટુડન્ટ કૃણાલ પટેલે પાંચ વર્ષ સુધી દરિયાકાંઠાના જળસ્તરને લઈને સંશોધન કર્યું છે. છેલ્લાં 40 વર્ષની સેટેલાઇટ ઇમેજ- આંકડાનું અધ્યયન કરતાં એવાં તારણો બહાર આવ્યાં છે કે, 100 વર્ષ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાએ દરવર્ષે 1 મિ.મી. જળસ્તર વધી રહ્યું હતું. હાલ દરવર્ષે 5-10 મિ.મી. જળસ્તર વધી રહ્યું છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપથી જળસ્તર વધી રહ્યું છે. આ જોતાં આગામી દિવસો કચ્છ માટે જોખમી છે.


comments powered by Disqus