દુશ્મનો પર હુમલા માટે ભારતીય આર્મીને અપાશે ફાઈટર સ્વોર્મ ડ્રોન

Wednesday 01st March 2023 05:57 EST
 
 

દિલ્હીઃ ભારતીય આર્મી પાસે હવે એક એવું હથિયાર આવી રહ્યું છે, જેના દ્વારા દુશ્મનો પર દૂરથી જ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકાશે. ભારતીય આર્મી આર્ટિફિશિયલ ઇન્ટેલિન્સથી ઉડનારાં સ્વોર્મ ડ્રોનથી સજ્જ થવા જઈ રહી છે, જેના માટે એક ભારતીય સ્ટાર્ટઅપ કંપનીને સ્વોર્મ ડ્રોન માટે રૂ.124 કરોડનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
આ નાના આકારના પ્રિડેટર ડ્રોનને રિમોટથી ઉડાવી શકાય છે અને નાના ફાઇટર પ્લેનની જેમ જ તે કામ કરે છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં વપરાતી સ્ટ્રાઇક ડ્રોન સિસ્ટમના બદલે ભારતીય આર્મી દ્વારા એવી સિસ્ટમ પસંદ કરવામાં આવી છે, જેને બિનપરંપરાગત હથિયારોની દુનિયામાં સ્લોટર બોટ કહેવામાં આવે છે.
આ સ્વોર્મ ડ્રોન એટલે કે આત્મઘાતી ડ્રોનને એકસાથે ઊડે છે અને ટાર્ગેટ પર એકસાથે જ ત્રાટકે છે. આ ડ્રોન આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સાથે જોડી દેતાં એક ખતરનાક યુનિટ ઊભું થાય છે, જે તેની સાથેના અન્ય ડ્રોન સાથે કોમ્યુનિકેશન કરી તેના ટાર્ગેટને નાબૂદ કરી દે છે.
સામાન્ય રીતે કોઈપણ ડિફેન્સ સિસ્ટમના રડારમાં આવેલા ઘૂસણખોર ડ્રોન-વિમાનને તોડી પાડવામાં આવતા હોય છે, પરંતુ આ ડ્રોન નાના હોવાથી અને અને એની સંખ્યા વધારે હોવાથી ડિફેન્સ સિસ્ટમ ફેલ થઈ જાય છે. આ નાનાં ડ્રોન 3 કિલોથી 23 કિલો સુધીનો વિસ્ફોટક સાથે લઈ જઈ શકે છે. નાનું કદ, વધારે સંખ્યા અને વિસ્ફોટકની વિપુલ માત્રાના કારણે તેના ટાર્ગેટનો બચાવ નિષ્ફળ થઈ જાય છે, અને આ કારણે જ આર્મીને ધારી સફળતા મળીને જ રહેશે.
આ સ્વોર્મ ડ્રોન એઆઇ પર આધારિત ઓટોમેટિક ટાર્ગેટ રિકોગ્નાઇઝેશન યુઝ કરે છે. જેના દ્વારા તે પોતાના ટાર્ગેટને ઓળખી હુમલો કરે છે અને સ્વાર્મિંગ અલ્ગોરિધમની મદદથી એકબીજા સાથે ટકરાયા વિના તેના નિશ્ચિત સ્થાન સુધી પહોંચી હુમલો કરે છે.
ઇઝરાયેલ, બ્રિટન અને અમેરિકાએ સ્વોર્મ ડ્રોનને એઆઇ સાથે જોડીને વધારે ખતરનાક બનાવી દીધું છે. પહેલાં ડ્રોન્સ પોતાના સેન્સર્સ અને કેમેરાની મદદથી ટાર્ગેટને લોકેટ કરે અને પોતાના ઓપરેટરને આ જાણકારી આપે. ઓપરેટરના કમાન્ડ પછી જ તે વાર કરે. AIના ટેકનિકની મદદથી હવે આ ડ્રોન્સ ઓટોનોમસ બની શકે છે. એટલે ન માત્ર અંદરોઅંદર કોમ્યુનિકેટ કરીને બિલકુલ સચોટ પેટર્નમાં ઊડે છે, પણ ટાર્ગેટને પોતે જ ઓળખે છે. એ હિસાબે દિશા પણ પોતે જ બદલે છે અને તક મળે એટલે ટાર્ગેટને નષ્ટ કરી દે છે. હાલમાં આ ટેકનિક દુનિયાના કેટલાક દેશો પાસે જ છે. હવે ભારત પણ આ ટેકનિકમાં સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની રહ્યું છે.


comments powered by Disqus