જામનગરઃ જામનગરના જોબનપુત્રા પરિવારે પુત્રના પ્રથમ જન્મદિવસે 36 યુવતીઓનાં લગ્ન કરાવી અનોખો સેવાયજ્ઞ કર્યો. ઉદ્યોગપતિ મેહુલ ધીરજલાલ જોબનપુત્રા અને તેમનાં પત્ની મીરાંબહેને પુત્ર નમનના જન્મદિવસે કોઈ મોટી પાર્ટીનો દેખાડો કરવાના બદલે સમાજ માટે એક મોટી સેવા કરી સમાજિક અને મહાન કાર્ય કરવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નમનના પ્રથમ જન્મદિવસ પર જાતિના ભેદભાવ વિના જોબનપુત્રા પરિવારે 36 યુવતીઓનાં લગ્ન કરાવ્યાં. આ સિવાય તમામ યુવતીઓને જીવનજરૂરિયાતની 100 વસ્તુઓ પણ ભેટ આપવામાં આવી. મેહુલ જોબનપુત્રાના જણાવ્યા પ્રમાણે પુત્રીના જન્મથી તમામ લોકો ખુશ થાય છે, તેનો જન્મદિવસ ધામધૂમથી ઊજવી હજારો રૂપિયા ઉડાવે છે. જો કે તેમના પરિવારે આ ધામધૂમ કરવાના બદલે નમનનો જન્મદિવસ સમાજના અન્ય પરિવારની ખુશી અને આશીર્વાદ મેળવી નમનનો જન્મદિવસ ઊજવવાનો નિર્ણય કર્યો. આ તમામ 36 યુવતીઓનાં લગ્ન થતાં તેમનાં પરિજનો ખુશ થયા અને નમન અને તેમના પરિવારને આશીર્વાદ પણ આપ્યા. જોબનપુત્રા પરિવારે કહ્યું કે, અમારા પરિવાર માટે આ જ ઉત્સવ પણ છે અને આશીર્વાદ પણ છે.
જામનગરમાં આ સામૂહિક વિવાહ પ્રણામી સ્કૂલ પાસે ખિજડા મંદિરની વાડીમાં યોજાયા. આ અવસર પર ખિજડા મંદિરના મહંત કૃષ્ણમણિ મહારાજ, આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદ, બેડીગેટ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસે યજમાન પરિવાર અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. આ અવસર પર સાંસદ પૂનમબહેન માડમ, ભાજપ નેતા હસમુખ હિંડોચા, સામાજિક કાર્યકર્તા અને સોશિયલ મીડિયાના કલાકાર નીતિન જાનીએ પણ હાજરી આપી હતી.

