પ્રેમસ્વરૂપ સ્વામી-પ્રબોધસ્વામી જૂથનો મિલકતનો વિવાદઃ 9 માર્ચે સુનાવણી

Wednesday 01st March 2023 05:23 EST
 
 

વડોદરાઃ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ યોગી ડિવાઇન સોસાયટીની હરિધામ સોખડા સહિતની દેશ-વિદેશમાં આવેલી 10 હજાર કરોડથી વધુની સંપત્તિનો પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ ઊભો થયો છે. આ વિવાદમાં હરિધામ સોખડાને છોડનારા પ્રબોધ સ્વામી જૂથે વડોદરા જોઇન્ટ ચેરિટી કમિશનરે આપેલા હુકમના વિરોધમાં હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો છે, જેમાં આગામી તા. 9 માર્ચે સુનાવણી થશે.
અગાઉ આ કેસ હાઇકોર્ટની સિંગલ જજની બેચ સમક્ષ ચાલ્યો હતો, જેમાં પ્રબોધ સ્વામી જૂથના 180 સાધુ સંતો અને સાધ્વીજીઓને યોગી ડિવાઇન સોસાયટીની 58 સંપત્તિ પૈકી બાકરોલ અને અમદાવાદની મિલકતમાં રહેવા માટે મંજૂરી માગી હતી, જે સિંગલ જજની બેચે નામંજૂર કરી દીધી હતી. એટલે આ ચુકાદાને પ્રબોધસ્વામી જૂથ દ્વારા હાઇકોર્ટની ડિવિઝન બેચ સમક્ષ પડકારવામાં આવ્યો છે, જેની સુનાવણી હવે 9 માર્ચે થશે. સુનાવણીમાં સૂચના અપાઈ છે કે 10 માર્ચ સુધી પ્રબોધસ્વામી જૂથ હાલમાં જે સ્થળે રહે છે ત્યાંથી હટાવવા નહીં.
પ્રબોધસ્વામી જૂથનું કહેવું છે કે હાઇકોર્ટે એવો હુકમ કર્યો છે કે જ્યાં સુધી આ કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી બાકરોલ અને અમદાવાદ મંદિરમાં રહેવા દેવા અને પ્રેમસ્વરૂપ જૂથના સાધુસંતો કે અન્ય કોઈ વ્યક્તિઓએ આ બે મિલકતોમાં પ્રવેશ કરવો નહીં.


comments powered by Disqus