અંબાજીઃ અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા અંબાનું શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તો મા જગતજનનીનાં ચરણે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવી ભેટસોગાત આપી માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે. ભક્તો દ્વારા ક્યારેક રોકડમાં ભેટ અપાય છે, તો ક્યારેક માતાજીને ભેટસ્વરૂપ સોનાનાં ઘરેણાં આપવામાં આવતાં હોય છે.
રાજુલાના સોની પરિવારે શનિવારે રૂ. 1,65,000ની કિંમતનું 31 ગ્રામ અને 740 મિલીગ્રામનું છત્ર માતાજીનાં ચરણોમાં ભેટ ધર્યું હતું. રાજુલાના વસંતીબહેન સોનીએ પોતાની 58મી લગ્નતિથિ પ્રસંગે આ છત્ર ભેટ અર્પણ કર્યું હતું. સોની પરિવારે માતાજીનાં દર્શન કરી લગ્નતિથિ મનાવી હતી. આ સોની પરિવારે પોતે જ છત્ર બનાવી મંદિરમાં આપ્યું હતું.

