માડાગાસ્કરના વેપારીની રાજકોટના અનાજના 3 વેપારી સાથે રૂ. 19 કરોડની છેતરપિંડી

Wednesday 01st March 2023 05:09 EST
 
 

રાજકોટઃ રાજકોટના વેપારી રિકી પાબારી પાસેથી માડાગાસ્કરમાં રહેતા અને મૂળ રાજકોટના વેપારી જતીન અઢિયા અને તેની પત્ની ફોરમે રૂ. 3.59 કરોડના ખાંડ અને ચોખાનો મોટો જથ્થો મેળવી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રિકી પાબારી સહિત ગુજરાતના અન્ય 2 વેપારી પાસેથી આ આખા મામલે કુલ રૂ. 19 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટના વેપારી રિકી પાબારીને જતીન અઢિયાનો મેડાગાસ્કરથી ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું જૂનાગઢનો છું. તેણે ગેરંટી પર માલ લેવા અન્ય એક મિત્ર કૌશલ બદિયાનીની ઓળખ આપી હતી.
મિત્ર દ્વારા જતીનનો પરિચય થયો હતો
મિત્ર કૌશલ પાસેથી જતીનનો પરિચય થઈ ગયા બાદ રિકીએ તેને જુલાઈ 2018માં રૂ.1.88 કરોડની કિંમતના 520 ટન ચોખા, ઓગસ્ટ 2018માં રૂ. 1.86 કરોડની 530 ટન ખાંડ અને સપ્ટેમ્બર 2018માં રૂ. 79 લાખના 265 ટન ચોખા એક્સપોર્ટ કર્યા હતા. આમ કુલ 3,59,76,350 રૂપિયાનું બિલ નહીં મળતાં રિકીએ જતીન પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. નાણાંની ઉઘરાણી કરતાં જતીન અને ફોરમ દ્વારા ગાળો બોલવામાં આવતાં રિકી પોતે માડાગાસ્કર ગયો હતો, જ્યાં તેને મારી નાખવાની ધમકી અપાઈ હતી. રિકીને ત્યાં સ્થાનિક વેપારી મોહસીન સલીમ સાથે પણ છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.
હાલમાં આરોપી જતીન અઢિયા રાજકોટ આવતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે તેની પત્ની ફોરમ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus