મોરબીઃ બ્રિજ હોનારત કેસમાં 22 ફેબ્રુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે મૃતકોને 10 લાખ ચૂકવવાનો વચગાળાનો આદેશ કર્યો છે, તથા ઈજાગ્રસ્તોને 2 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. દરેકને યોગ્ય વળતર મળશે તેવી નોંધ ગુજરાત હાઇકોર્ટે હુકમમાં લીધી હતી. મોરબીની ઘટનામાં માતા અને પિતા બંને ગુમાવ્યાં હોય તેવાં અનાથ બાળકોના નામની યાદી કોર્ટે માગી છે.
મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. પ્રતિવ્યક્તિ મૃતકોને 10 લાખ ચૂકવવાનો વચગાળાનો આદેશ આપ્યો છે, તેમજ ઘાયલોને 2 લાખ ચૂકવવાનો વચગાળાનો આદેશ કર્યો છે. રાજ્યમાં અન્ય નબળા બ્રિજ મામલે સરકારને બે અઠવાડિયામાં પોલિસી બનાવે તેવું હાઇકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું.
જયસુખ પટેલે પ્રતિ મૃતક રૂ. 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી
મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવા મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન જયસુખ પટેલે દરેક મૃતકને રૂ. 5-5 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. જયસુખ પટેલના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આપી શકીએે તેમ છીએ. ત્યારે હાઇકોર્ટે કહ્યું કે, વકીલ તરીકે તમારી મર્યાદા હોઈ શકે છે. અમે ગઈકાલે જ આ અંગે સ્પષ્ટ કર્યું હતું. આ તો અમે તમને તક આપવા માગતા હતા. વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.

