શામળાજીઃ રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક મહોત્સવ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી મહોત્સવ - 2023 ની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના યુવક વિકાસ અને રમત-ગમત વિભાગ અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત બે દિવસીય શામળાજી મહોત્સવ – 2023ના પ્રથમ દિવસે કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન અને રાસનું પાન કલાકારો દ્વારા કરાવવામાં આવ્યું. આ સમયે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
શામળાજી મહોત્સવ 2023ના બીજા અને અંતિમ દિવસે યોજાયેલા કૃષ્ણભક્તિ રાસમાં એક શ્રમિક દંપતિ પણ નાચી ઊઠ્યું હતું. પુરુષ એકહાથે ઇજાગ્રસ્ત હોવા છતાં ભગવાન કાળિયા ઠાકરના પરિસરમાં નાચતાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં બે દિવસીય શામળાજી મહોત્સવ - 2023ની ઉજવણી કરાઈ છે. ત્યારે મહોત્સવના બીજા દિવસે શામળાજી મંદિરમાં કૃષ્ણ ભજનની રંગત જામી હતી. પ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક અરવિંદ બેગડાએ ગીતોની ધૂમ મચાવી હતી. ઉપસ્થિત જનમેદની ભગવાન શામળિયામય બન્યા હતા. ગુજરાત - રાજસ્થાન સરહદે આવેલું અને અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન ભગવાન કાળિયા ઠાકરના પરિસરમાં જાણે ભક્તિરસ છલકાયો હોય એવાં દૃશ્યો સાથે આજે શામળાજીના બીજા અને અંતિમ દિવસે શામળાજી મહોત્સવ 2023 સંપન્ન થયો હતો.

