રાજકોટ એઇમ્સમાં ગેરકાયદે નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું

Wednesday 01st March 2023 05:00 EST
 
 

રાજકોટઃ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સની ભેટ આપવામાં આવી છે. જો કે તે પૂર્ણપણે ચાલુ થાય તે પહેલાં જ ગેરરીતિનો એક કેસ નોંધાયો છે.
હાલ એઇમ્સ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગ કાર્યરત છે અને હવે આગામી સમયમાં આઇપીડી શરૂ થવાનું છે, ત્યારે જરૂરિયાત મુજબ ભરતી પણ કરવામાં આવી રહી છે. તેવામાં એઇમ્સ હોસ્પિટલ ખાતે જોઇનિંગ લેટર સાથે એક યુવતી નોકરી મેળવવા જતાં લેટર બોગસ હોવાનું સામે આવતાં પડધરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ફરિયાદીએ આરોપી તરીકે ડો. અક્ષય જાદવનું નામ આપ્યું છે. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી રાજકોટના ખંઢેરી ગામ પાસે નવી બનતી એઇમ્સમાં એડમિન વિભાગમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 20 ફેબ્રુઆરીએ સવારે 11:30 વાગ્યે એક યુવતી આવી હતી અને કવર આપી કહ્યું હતું કે તે નોકરી પર હાજર થવા માટે આવ્યાં છે. તે કવર ખોલીને ચેક કરતાં અખિલ ભારતીય આયુ. વિજ્ઞાન સંસ્થા રાજકોટ ગુજરાત લખેલ એઇમ્સ હોસ્પિટલના સિમ્બોલવાળો જોઇનિંગ લેટર હતો અને આપનારી યુવતી નિકિતા મુકુંદભાઈ પંચાલ લેબ ટેકનિશિયન તરીકે નોકરી પર હાજર થવા આવી હતી.

આ જોઈનિંગ લેટરમાં 16 ફેબ્રુઆરીએ હાજર થવા અને 36,000ના પગારનો ઉલ્લેખ હતો. યુવતીને પૂછતાં તેણે રાજકોટના ડો. અક્ષય જાદવે આ લેટર આપ્યો હોવાનું અને તેણે વીડિયો કોલથીથી ઇન્ટરવ્યૂ લઈને જોઇનિંગ લેટર આપ્યો હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદના આધારે કૌભાંડ આચરનારા ડો. અક્ષય જાદવ સામે પડધરી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus