રાજ્યની એકમાત્ર વડતાલ સંપ્રદાયની કેશ કાઉન્ટર વિનાની હોસ્પિટલ

Wednesday 01st March 2023 05:25 EST
 
 

અમદાવાદઃ રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં હોસ્પિટલો છે, જેમાં કેટલીક હોસ્પિટલ મોટા પ્રમાણમાં નાણાં લે છે, તો કેટલીક ઓછા પૈસામાં સેવાકાર્ય કરે છે. ત્યારે એકમાત્ર વડતાલ સંપ્રદાય દ્વારા એવી હોસ્પિટલ તૈયાર કરાઈ છે કે જેમાં કેશ કાઉન્ટર જ નથી, એટલે કે તે નિઃશુલ્ક સારવાર કરે છે. આ હોસ્પિટલમાં નાની બીમારીથી લઈને સર્જરી સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
રાજ્યની આ એકમાત્ર હોસ્પિટલ છે કે જેમાં કેશ કાઉન્ટર જ રાખવામાં આવ્યું નથી. મંદિરના કોઠારી ડો. સંત વલ્લભસ્વામીજીના જણાવ્યા અનુસાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનોખો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. વડતાલ સંપ્રદાય ભાવુકોના દાનનો ઉપયોગ પૂજાની સાથે સાથે ગરીબોની સેવા માટે પણ કરી રહ્યો છે. સમગ્ર વડતાલ સંપ્રદાયનાં તમામ મંદિરમાં જે દાન આવે છે, તે તમામ સંપ્રદાયની હોપિસ્ટલમાં ઉપયોગ કરવામાં આવે છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને વડીલ સંતોના આશીર્વાદથી હજારો લોકો સ્વાસ્થ્ય લાભ મેળવી રહ્યા છે. દાતાઓનું દાન દર્દીઓને નવજીવન આપે છે, સંસ્થા માત્ર મેનેજમેન્ટ કરે છે. હોસ્પિટલમાં અત્યાર સુધી આશરે 1500થી વધારે મેજર સર્જરી થઈ ચૂકી છે.
દર્દીઓને 2 ટાઇમ ભોજન અપાય છે
હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગ, બાળરોગની ચિકિત્સા અને તમામ સામાન્ય સારવાર થાય છે. બ્લડ રિપોર્ટ, એક્સ રે, સોનોગ્રાફી વગેરે નિઃશુલ્ક કરવામાં આવે છે. દવા તથા ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. દર્દીનાં સગાંને પણ રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે.


comments powered by Disqus