ભુજઃ રાજ્યના હાલારી પ્રજાતિના ગધેડાની સંખ્યા કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવે માત્ર 450 જેટલી રહી છે. આ ગધેડાના દૂધની ઊંચી માગ રહેતાં ગધેડાની કિંમત એક લાખથી પણ વધુ થઈ ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ હાલારી ગધેડાના સંવર્ધન માટે વિશેષ પગલાં લઈ રહી છે. આ સંજોગોમાં આ અતિઉપયોગી પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા સહજીવન સંસ્થાએ બીડું ઝડપ્યું છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના કોલકી ગામમાં હાલારી ગધેડાના ખોલકાઓના વધામણી અને ગર્ભસ્થ માદા ગધેડાના સિમંત સમારંભનું અનોખી રીતે આયોજન થયું.
ગયા વર્ષે હાલારી ગધેડાના સંરક્ષણના માટે સિમંત સમારંભનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે જે હાલારી માદા ગદર્ભનું સિમંત હતું તેનાં બચ્ચાંનો જન્મ થતાં વધામણીનો પ્રસંગ માલધારી સમાજ દ્વારા રંગેચંગે ઊજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હાલારી ગધેડાને ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં લુપ્ત થતા બચાવવા, તેમનું સંરક્ષણ કરવું તથા આ નસલની ખૂબીઓ વિશે માલધારી સમુદાય અને અન્ય સમુદાયને જાગૃત કરવાનો છે.
માલધારી બહેનો દ્વારા વધામણીની ખુશીના સોરઠી લહેકામાં ગીતોના ગુંજન સાથે, તાજા જન્મેલાં ખોલકાં (બચ્ચાં) ને તિલક, કુંકુ-ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને વધામણી કરવામાં આવી હતી. જ્યારે માલધારી ભાઈઓ દ્વારા ખોલકાંઓને ફૂલમાળા પહેરાવીને વધામણી કરાઈ હતી. નવા જન્મેલ દરેક ખોલકાં પુખ્ત થતાં તે સાવ લાખની કિંમતનાં થઈ જશે.

