વડોદરા જી-20 કાર્યક્રમમાં મુખ્યમંત્રી-ગૃહરાજ્યમંત્રી ન આવતાં બબાલ

Wednesday 01st March 2023 05:38 EST
 
 

વડોદરાઃ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં યોજાયેલી જી-20 અંતર્ગત યોજાયેલી યૂથ-20ની શિખર બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર ન રહેતાં યુવાનોનો ગુસ્સો ફૂટી પડ્યો હતો. આ અંગે એમએસ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સેનેટ મેમ્બર્સે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીનું અપમાન છે. સત્તાધીશો આવા કાર્યક્રમ કરવા હોય તો ખાનગી કાર્યક્રમમાં બોલાવે.
યૂથ-20ના આ કાર્યક્રમ અંગે સેનેટ મેમ્બર કપિલ જોશીએ જણાવ્યું કે, અમારો વિરોધ એટલો જ છે કે બે દિવસ પહેલાં મળેલા નિમંત્રણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યોના નામનો અતિથિ તરીકે ઉલ્લેખ હતો. જો કે આ તમામ મહાનુભાવો પૈકી એકમાત્ર ધારાસભ્ય કેયુર રોકડિયા જ આવ્યા હતા. આ યુનિવર્સિટીનું અપમાન છે.
વાઇસ ચાન્સેલરે બચાવ કરતાં કહ્યું કે, બજેટ સત્રના કારણે મુખ્યમંત્રી અને અન્ય ધારાસભ્યો આવી શક્યા નથી.
સેનેટ સભ્ય કપિલ જોશીએ પોતાનો રોષ પ્રગટ કરતાં કહ્યું કે, વાઇસ ચાન્સેલરને જ્યારે ખબર હતી કે આમંત્રિત મહાનુભાવ આવવાના જ નથી, તો કેમ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો? યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નાણાંનો દુર્વ્યય કેમ કરવામાં આવ્યો? તાજેતરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવાના કાર્યક્રમમાં પણ શિક્ષણમંત્રી આમંત્રણ છતાં આવ્યા નહોતા.


comments powered by Disqus