વડોદરાઃ વૈષ્ણવ સંપ્રદાય તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્ય વ્રજેશકુમારનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી બીમાર હોઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન 27 ફેબ્રુઆરીએ સવારે 11:45વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કાકરોલી નરેશ વ્રજેશકુમારના નિધનથી વૈષ્ણવ સંપ્રદાયમાં દુઃખની લાગણી છવાઈ છે.
ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશવ્રજેશ કુમાર ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન હતા. તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઇન્ટિંગના નિષ્ણાત હતા. રાજ્સ્થાનસ્થિત કાંકરોલી ઉપરાંત મથુરા, ગોકુળ, જતીપુરા, અમદાવાદના રાયપુર, આંણદ તેમજ વડોદરાના બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતનાં 132 જેટલાં મંદિર તેમના તાબા હેઠળ હતાં.
ડોક્ટરે જણાવ્યું હતું કે, તેઓ 13 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે શરીરમાં ઇન્ફેકશન હતું તેમજ કિડનીમાં પણ તકલીફ હતી. નિધનનું કારણ મલ્ટિઓર્ગન ફેલ્યોર જણાવવામાં આવી રહ્યું છે.

