ઉત્તર ગુજરાતને રૂ. 5950 કરોડના વિકાસકાર્યોની દિવાળી ભેટ

Wednesday 01st November 2023 06:35 EDT
 
 

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ. 5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજાયો હતો. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, જળસંસાધન, પાણીપુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.
આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લા વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે, જેમાંથી 8નું લોકાર્પણ અને 8 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પોનાં લોકાર્પણ કરવામાં આવ્યાં. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિ.મી. બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે વિરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી. લાંબી રેલવે લાઇનનું બે ટ્રેકના વિસ્તરણનું લોકાર્પણ કરાયું. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી,ે રાજકોટને આવરી લેશે.
જળસંસાધન વિભાગનાં વિકાસકાર્યો
પ્રધાનમંત્રી મોદીના હસ્તે મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેનાં કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેનાં કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે મહિસાગરમાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. મહત્ત્વનું છે કે, લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ સંતરામપુર તાલુકાનાં વિવિધ તળાવોને જોડશે. આ તમામ પ્રકલ્પનું મૂલ્ય રૂ. 270 કરોડ છે.
પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પાણી પુરવઠાના ત્રણ પ્રકલ્પોનું બનાસકાંઠામાં લોકાર્પણ અને મહેસાણામાં એક પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમાં પાલનપુર ગ્રૂપ પેકેજ 1 પાર્ટ-એ અને પાલનપુર ગ્રૂપ પેકેજ 2નાં કાર્યોનું લોકાર્પણ કરાયું છે. જે બાદમાં ધરોઈ ડેમ આધારિત 80 એમએલડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મહેસાણામાં ધરોઈ ઓગ્મેન્ટેશન પાર્ટ-2 કામગીરીનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરાયું છે.
આર એન્ડ ડી વિભાગનાં વિકાસકાર્યોનું લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદીના હસ્તે નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. કલોલ નપાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણ શરૂ કરવા સિદ્ધપુરમાં 13.50, બાયડમાં 05.07 એમએલડી અને વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું છે.


comments powered by Disqus