એકતાનગરથી રૂ. 196 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

Wednesday 01st November 2023 06:33 EDT
 
 

કેવડિયાઃ સરદાર પટેલ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરી દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ નિમિત્ત એકતાનગર ખાતે પ્રધાનમંત્રીએ રૂ. 196 કરોડનાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીના હસ્તે જે પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે.
ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સ
પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ પ્રોજેક્ટ્સ હેઠળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઓથોરિટીએ 5 પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે, જેમાં 30 ઇ-બસ, પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટી ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સનું લોકાર્પણ અને સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરાયું છે.
વિઝિટર્સ સેન્ટરનું ખાતમુહૂર્ત
એકતાનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે લગભગ રૂ. 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિઝિટર્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું છે. આ વિઝિટર્સ સેન્ટર એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે, જે પ્રવાસીઓને માહિતી અને દિશા પ્રદાન કરશે. તેમાં પ્રવાસીઓને જરૂરી સુવિધા પૂરી પાડતી દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરાં, આરામ અને મનોરંજનની જગ્યા પણ બનાવવામાં આવશે.
કમલમ પાર્કનું લોકાર્પણ
પ્રધાનમંત્રીએ કેવડિયા ખાતે રૂ. 7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું પણ લોકાર્પણ કર્યું, જેમાં એકતાનગર ખાતે નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફ્રૂટ એટલે કે ‘કમલમ’ ફળની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર આવેલું છે, તેમજ તેમને વિતરણ માટે 91 હજાર કમલમના છોડ પણ રખાયા છે.
યુ-ટ્યૂબથી નર્મદા આરતીનું લાઇવ સ્ટ્રીમિંગ
વારાણસીની ભવ્ય મહાગંગા આરતીથી પ્રેરણા લઈને એકતાનગર ખાતે એકતા નર્સરીની બાજુમાં ખાસ બાંધવામાં આવેલા ઘાટ પર નર્મદાના કિનારે નર્મદા આરતી કરાશે. આ સુંદર પરંપરાનું હવે વિસ્તરણ કરીને ઓથોરિટી નવી યુ-ટ્યુબ ચેનલ દ્વારા રોજ નર્મદા આરતીનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. આ પ્રયાસ અસંખ્ય શ્રદ્ધાળુઓને જોડવાની સાથે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપતાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરશે. સ્થાનિક હોટેલો, રહેઠાણોમાં અને એકતાનગર સ્થિત વિશાળ એલઈડીમાં આરતીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
બે ફ્રિસ્કિંગ બૂથ સાથે 150 મીટરના વોક-વેનું નિર્માણ
એકતાનગર ખાતે પ્રવાસીઓની સુવિધા માટે રૂ. 7.5 કરોડના ખર્ચે બે ફ્રિસ્કિંગ બૂથ સાથે 150 મીટરના વોક-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફ્રિસ્કિંગ બૂથની ક્ષમતા જૂના ફ્રિસ્કિંગ બૂથની સરખામણીએ ત્રણ ગણી છે. પ્રધાનમંત્રીના હસ્તે વોક-વેનું લોકાર્પણ કરાયું છે. ઉપરાંત એકતાનગરના રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે આરોગ્ય સંભાળની સુવિધા વધારવાના ઉદ્દેશ સાથે અહીં 50 બેડ તેમજ ટ્રોમા સેન્ટરની સુવિધા સાથેની એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવાશે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વિકાસ માટે આરોગ્ય વિભાગને 6 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ છે.
ગુજરાત સ્ટેટ કો.ઓ. બેન્ક લિ.ના સહકાર ભવનનું લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદીના હસ્તે એકતાનગર ખાતે રૂ. 81 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક લિ.ના સહકાર ભવનનું લોકાર્પણ કરાયું છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. તરફથી બેન્કને સહકાર ભવનના નિર્માણ માટે કેવડિયા કોલોની ખાતે 14688 ચો.મી. જમીન 99 વર્ષના ભાડાપટ્ટે ફાળવાઈ છે.
ગેસ્ટ હાઉસ બિલ્ડિંગમાં એસી, ટીવી, વાઇફાઇ તથા અદ્યતન ફર્નિચર સાથેની વ્યવસ્થા ધરાવતા એક વીવીઆઇપી રૂમની સાથે, પાંચ વીઆઇપી રૂમ, 28 ડિલક્સ રૂમ અને ડ્રાઇવર માટે ડોરમેટરી થઈને કુલ 360 વ્યક્તિ માટે રહેઠાણની વ્યવસ્થા પણ કરાઈ છે. ટ્રેનિંગ અને મીટિંગની સુવિધા માટે અંદાજે 300 વ્યક્તિની બેઠકવ્યવસ્થા અને અદ્યતન ઓડિયો વીડિયો સિસ્ટમ સાથે ઓડિટોરિયમ પણ બનાવાયું છે.


comments powered by Disqus