અર્નાકુલમઃ કેરલના અર્નાકુલમના ક્લામસેરી કન્વેન્શન સેન્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન 2 હજાર લોકોની હાજરી વચ્ચે ત્રણ આઇઈડી બોમ્બ બ્લાસ્ટ થયા, જેમાં બે મહિલાનાં મોત નીપજ્યાં, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
ઘટના બાદ ડોમિનિક માર્ટિન નામના શખ્સ દ્વારા બ્લાસ્ટની જવાબદારી લેવામાં આવી હતી, જે તેણે ફેસબુક લાઇવ કરીને આપી હતી અને બાદમાં ડોમિનિક માર્ટિને ત્રિશૂર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. ડોમિનિકે દાવો કર્યો હતો કે તેણે જ કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હતો.
સરેન્ડર પહેલાં ફેસબુક લાઇવ કરીને ડોમિનિકે બ્લાસ્ટ પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેનો દાવો હતો કે તે ખ્રિસ્તી ધર્મના યહોવા સાથે જોડાયેલો છે, પરંતુ તેને તેની વિચારધારા પસંદ નથી. તે તેને દેશ માટે ખતરો માને છે, યહોવા યુવાનોના મનમાં ઝેર ભરી રહ્યા છે. એટલા માટે તેમણે તેમની પ્રાર્થનાસભા દરમિયાન બોમ્બ ફોડ્યો હતો. તેણે કહ્યું કે, કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થનાસભા દરમિયાન જે કંઈ બન્યું તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું.
4 આઇઈડીનો ઉપયોગ
કોમ્યુનિટી કન્વેન્શન સેન્ટરમાં થયેલા વિસ્ફોટ માટે ડોમિનિકે 4 આઇઈડીનો ઉપયોગ કર્યો હતો. આઇઈડી લો-ગ્રેડ વિસ્ફોટક તરીકે બનાવવામાં આવ્યું હતું, તે ઉપરાંત આગ લાગે તે માટે પેટ્રોલનો પણ ઉપયોગ કરાયો હતો. ડોમિનિકની આ આખા સ્થળને ખાખ કરી દેવાની યોજના હતી. પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી બેટરી, વાયર, સર્કિટ અને મોબાઇલ ફોન મળી આવ્યાં છે. દરેક બોમ્બ માટે પ્લાસ્ટિકના પાઉચમાં 5 લિટર પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રેડિયો ફ્રિક્વન્સી ડિવાઇસે વિસ્ફોટને વેગ આપવામાં મદદ કરી હતી. ઇલેક્ટ્રિક ચાર્જીસ, સર્કિટ અને આઇઈડીને ટ્રિગર કરવા માટે મોબાઇલ કોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

