નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ નાણાં લઈને સંસદમાં સવાલ પૂછવાના મામલામાં મોટી કબૂલાત કરી છે. મહુઆએ જણાવ્યું કે, તેમણે બિઝનેસમેન હીરાનંદાનીને લોકસભા વેબસાઇટ પરની પોતાનાં લોગઇન આઈડી તથા પાસવર્ડની વિગતો ઉપલબ્ધ કરાવી હતી, જેથી આ બિઝનેસમેન પોતાના તરફથી સવાલ કરી શકે.
આ ઉપરાંત મોઇત્રાએ એમ પણ જણાવ્યું હતું કે, દર્શન હીરાનંદાની તરફથી ગિફ્ટમાં ફ્ક્ત એક સ્કાઇ, કેવિક લિપસ્ટિક અને આઇશેડો સહિત મેકઅપનો કેટલોક સામાન મળ્યો હતો. જો કે સાથે તેણે સ્વીકાર કર્યો હતો કે તેણે તેમને તેનો ઉપયોગ કરવા દીધો હતો. તેણીએ લાંચ લેવાનો આરોપ ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે, જેણે તેના પર આ આરોપ મૂક્યો છે તેની જવાબદારી તેને સાબિત કરવાની છે.
અદાણી વિરુદ્ધ બોલવા દર્શન હીરાનંદાનીને પૈસા આપું તેમ છું: મહુઆ
પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાના આરોપોથી ઘેરાયેલાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ પોતાની સામેના આરોપો ફગાવી દીધા છે. મોઇત્રાએ કહ્યું કે, અદાણી વિરુદ્ધ બોલવા માટે દર્શન હીરાનંદાનીએ મને પૈસા આપવાની જરૂર નથી, હું જાતે અદાણી વિરુદ્ધ બોલી શકું છું. ત્યાં સુધી કે અદાણી વિરુદ્ધ બોલવા માટે હું દર્શન હીરાનંદાનીને પૈસા આપી શકું છું. દર્શન હીરાનંદાનીને પોતાના સંસદીય લોગ-ઇન આઇડીનો પાસવર્ડ આપવાના આરોપ અંગે મહુઆએ કહ્યું કે, આ કોઈ ગોપનીય વાત નથી. જો તેવું હોય તો બધા સાંસદો તેમની ટીમના લોકોને લોગ-ઇન પાસવર્ડ કેમ આપી રાખે છે?

