અમદાવાદઃ રાજ્યમાં દશેરા સાથે નવરાત્રીની સમાપ્તી થઈ છે, પરંતુ નવરાત્રી દરમિયાન રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં 36 વ્યક્તિનાં હાર્ટ એટેકથી મોત થયાં છે. આટલા ટૂંકા સમયગાળામાં હાર્ટ એટેકથી ટપોટપ મોતના કારણે લોકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. હાર્ટ એટેકથી સૌથી વધુ મોતના કિસ્સા સૌરાષ્ટ્રમાં 16 નોંધાયા છે.
ગરબા રમતી વખતે કે પછી કામકાજ કરતી વખતે અચાનક જ વ્યક્તિ બેભાન થઈને ઢળી પડે અને તત્કાળ મોત નીપજે તેવા કિસ્સા વધુ નોંધાયા છે. મોટાભાગના કિસ્સામાં હાર્ટ એટેકથી મોત થયાનું બહાર આવ્યું છે.
હાર્ટએટેક આવે એટલે હોસ્પિટલમાં દાખલ કરવાનો કે સારવારનો પણ સમય જ ના મળે એટલી ઝડપથી સિવિયર એટેક આવી રહ્યા છે. મોટાભાગના કિસ્સામાં મૃતકની ઉંમર 50 વર્ષથી નીચી નોંધાઈ છે. ખાસ કરીને ગરબા રમતાં મૃત્યુ પામ્યા હોય તેવા કેસની સંખ્યા વધુ છે.
રોજ બમણું પાણી પીવોઃ નિષ્ણાતો
નિષ્ણાતોના મત લેતાં એવું સામે આવ્યું છે કે, પાણી ઓછું પીવાથી શરીરમાંથી પાણીનું સ્તર ઘટી જવાથી લોહી જાડું પડે છે અને હાર્ટ એટેકના કેસ વધે છે. બીજું મહત્ત્વનું તારણ એવું પણ સામે આવ્યું છે કે, પરિવારમાં હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય અને સાથેસાથે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અનિદ્રા, ખરાબ લાઇફ સ્ટાઇલ કે વ્યસન ધરાવતી વ્યક્તિ હાર્ટ એટેક માટે હાઇરિસ્ક પર છે. આવા લોકોએ અચાનક શારીરિક શ્રમ કરવો જોઈએ નહીં. શારીરિક શ્રમની માત્રા ધીમેધીમે વધારવી જોઈએ અને તેમ કરતા પહેલાં એક વખત ડોક્ટર પાસે જઈ હેલ્થ ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે.
સરકાર દ્વારા કમિટીનું ગઠન
કોરોના બાદ હાર્ટએટેકના કેસ વધતાં મોટાભાગના લોકોનું માનવું છે કે, કોરોનાની વેક્સિન લીધા બાદ ગુજરાતમાં હાર્ટએટેકના કેસ વધ્યા છે. પ્રવક્તા કનુ દેસાઈએ જણાવ્યું કે, હાર્ટએટેક માટે વેક્સિન જવાબદાર નથી.
એટોપ્સીનો થઈ રહેલો અભ્યાસ
કનુ દેસાઈએ કહ્યું કે, આ ઘટના પાછળ લોકોની જીવનશૈલી પણ જવાબદાર છે. હાર્ટએટેકના સતત વધી રહેલા કેસને લઈને સરકાર દ્વારા 75 એટોપ્સી કરાઈ છે, જેનો અભ્યાસ કરાઈ રહ્યો છે. કનુ દેસાઈએ કહ્યું કે, કોરોનાની વેક્સિનના લીધે હાર્ટએટેક આવતા નથી. છેલ્લા ઘણા સમયથી યુવાનોની લાઇફ સ્ટાઇલમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે, જેથી એ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. આ સાથે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ઓબેસિટી પણ હાર્ટએટેક માટે જવાબદાર છે.
હાર્ટએટેકથી મોતના કિસ્સા
અમદાવાદ 03
સૌરાષ્ટ્ર 16
દક્ષિણ ગુજરાત 15
ઉત્તર-મધ્ય ગુજરાત 02
કુલ 35

